Dragon Fruit Farming: જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં થાણાપીપળી ગામના 21 વર્ષીય દીપ જારસાણિયાએ તેના પિતા અશોકભાઇ જારસાણીયાના સહયોગથી પોતાના ખેતરમાં એક વર્ષ પહેલા ડ્રેગન ફ્રુટ ‘કમલમ’ વાવ્યા હતા. આ શિક્ષિત યુવકે પરંપરાગત ખેતીને જ વ્યવસાય તરીકે અપનાવી. સાથો સાથ પોતાના ખેતેરોમાં આધુનિક ખેતીનો પણ પ્રયોગ પણ શરૂ કર્યો છે.  દિપભાઇએ વલસાડ પાસેના પરિયાની બાગાયત પોલીટેકનિક કોલેજમાંથી એગ્રીકલ્ચરમાં ગ્રેજયુએશન કર્યુ છે.


પાંદડાના કટીંગમાંથી રોપા કર્યા તૈયાર


એક વર્ષ પહેલા દિપભાઇ અંકલેશ્વરના ખેતરોમાંથી ડ્રેગન ફ્રુટના 450 પાંદડાના કટીંગ લઇ આવ્યા હતા. આ કટીંગમાંથી પોલીથીન થેલીઓમાં રોપાઓ તૈયાર કર્યા હતા. એક દોઢ માસમાં આ રોપાઓ તૈયાર થઇ જતાં તેને પોતાના ખેતરોમાં વાવી દે છે. એક વર્ષ બાદ હવે ડ્રેગન ફ્રુટ ‘કમલમ’ ના વેલા-થાંભલામાંથી 20 થી 25 જેટલા ડ્રેગન ફ્રુટ ‘કમલમ’ ફુલ્યા ફાલ્યા છે. જોકે વધુ ફાલ બે વર્ષ પછી મળે છે.  આ ફ્રુટના ઝાડનું સરેરાશ આયુષ્ય 25 વર્ષ જેટલુ હોય છે. આ ડ્રેગન ફ્રુટના 200 થી 250 રૂ. કિલોએ મળતાં હોવાનું દિપભાઇ જણાવે છે. તેઓ કહે છે કે અમે આ ડ્રેગન ફ્રુટ ‘કમલમ’માંથી ચોકલેટ અને જયુસ બનાવીશુ.




મારે એક વર્ષમાં જ ફળો આવવાની શરૂઆત થઇ ચૂકી છે. એક વિઘામાં મેં 90 સિમેન્ટના થાંભલા-પોલ વેલા બાંધવા તૈયાર કર્યા છે. પ્લાસ્ટીકના પોલ તડકામાં બળી જાય અને લોખંડના પોલ પાણી-માટીમાં કટાઇ જાય તે માટે સિમેન્ટના પોલ બાંધવાનો ખર્ચો થયો હતો. વેલા ઉપર ચડતા જાય છે. અને એલોવેરા જેવા લાંબા અને ઝાડા અણીદાર પાંદડા હોય છે. તેને ટાયરમાં સપોર્ટથી બાધી દેવામાં આવે છે. છે. 90 પોલમાં કુલ 360 રોપા ડ્રેગન ફ્રુટના છે. આ સિમેન્ટ પોલની વચ્ચે બચતી જગ્યામાં કપાસ વાવ્યુ છે. ‘કમલમ’માં વેલામાં સતત પાંદડા ઉગતા જ રહે છે.


ડ્રેગન ફ્રુટની ખેતીમાં કેટલી મળે છે સહાય


નાયબ બાગાયત નિયામક હેમાંશુ ઉસદળિયાએ કહ્યું, ડ્રેગન ફ્રુટ ‘કમલમ’ ની મેડીસનલ વેલ્યુ હોવાથી તેના ભાવ અન્ય ફ્રુટની તુલનાએ વધુ મળે છે. અને તેથી જ આ ફ્રુટ ‘કમલમ’ને પ્રમોટ કરવા સરકારી સ્તરે સારી એવી સહાય ખેડૂતોને આપવામાં આવે છે. કમળ જેવો આકાર હોવાથી સરકારે ડ્રેગન ફ્રુટનું નામ ‘‘કમલમ’’ આપ્યુ છે.




મદદનીશ બાગાયત નિયામક વિશાલ હદવાણીએ જણાવ્યુ હતું કે રાજય સરકાર દ્વારા પ્રતિ હેકટર દીઠ રૂ. 3 લાખની ડ્રેગન ફ્રુટની ખેતી કરનારને મળે છે જેમાં પ્રથમ વર્ષે રૂ. 2,44,420 અને બીજા વર્ષે રૂ.55,580 ની સહાય કરવામાં આવે છે. ખર્ચ સામે અઢી લાખ જેટલી સહાય આપવામાં આવે છે. જૂનાગઢ જિલ્લામાં હાલમાં આની ખેતી નવી છે. આઠેક હેકટરમાં ડ્રેગન ફ્રુટની ખેતી- વાવેતર થઇ રહયુ છે. કોરોના કાળમાં આ ફ્રુટની ડિમાન્ડ બહુ રહેતી હતી. હજુ પણ લોકોને આ ફળ પંસદ આવી રહયુ છે. તેના ભાવ પણ સારા મળતા હોય છે. છુટક એક ફ્રુટના જ ભાવ 150 થી 200 રૂપિયા હોય છે. આ ઉપરાંત દિપભાઇએ તેમના ૩ મિત્રો સાથે મળીને મધ ઉછેર કેન્દ્ર પણ શરૂ કર્યુ છે. 140 ઇઝરાયેલી મધપુડાની પેડીથી તેઓ મધ એકત્રિત કરી તેમાંથી અન્ય કેટલીક પ્રોડકટ પણ બનાવે છે.