Gujarat Agriculture News: ગુજરાતમાં કપાસનું વાવેતર મોટા પાયે થાય છે. મોટાભાગના ખેડૂતો બીટી કપાસનું વાવેતર કરેછે. કપાસમાં ગુલાબી ઈયળના ઉપદ્રવથી દવા છાંટવાનો મોટો ખર્ચ થઈ રહ્યો છે, ઉપરાંત કપસના વાવેતરમાં ઘટાડો થઈ રહ્યો છે. ખેડૂતોની આ સમસ્યાને લઈ ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ મુખ્યમંત્રીને પત્ર લખી બીટી કપાસની નવી ટેકનલોજીને મંજૂરી આપવા માંગ કરી  છે. પત્રમાં લખવામાં આવ્યા મુજબ, બીટી કપાસની નવી ટેક્નોલોજી BGII+RRF/HT VIP 3 જીન ધરાવે છે જેની ભારત સરકાર ટ્રાયલ લઈને વેપારીક વાવતેર માટે ખેડૂતોને છૂટ આપવામાં આવેલ નથી. તેને ગેર કાયદેસર ગણવામાં આવે છે.  રાજયનો ૩૦ ટકા વિસ્તાર અને અર્થતંત્રમાં મોટું યોગદાન આપતા કપાસના પાકને નિંદામણ અને ગુલાબી ઈયળથી બચાવતી નવી ટેકનોલોજીને મંજૂરી આપવા આપની કક્ષાએ તાત્કાલિક નિર્ણય લેવા ભલામણ છે.

રમણલાલ વોરાએ શુ લખ્યું છે પત્રમાં


રમણલાલ વોરા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને  લખવામાં આવેલા પત્રની વિગત મુજબ, આપણા વડાપ્રધાનની દીર્ઘદ્રષ્ટિ તથા આપની રાબરી હેઠળ ગુજરાત રાજય એ બિયારણ ઉદ્યોગમાં સારી પ્રગતિ કરી છે. સાથે સાથે કૃષિ ક્ષેત્રે સમગ્ર દેશમાં રાજયને અગ્રેસર કર્યુ છે. ખેડૂતોના નવા નવા ગુણવત્તાયુકન અને સારૂ ઉત્પાદન ધરાવતા બિયારણ મળી રહે તે માટે ભારત સરકાર અને રાજય સરકારના કૃષિ વૈજ્ઞાનિકો સાથે સિડસ ઉદ્યોગ અવનવા ટેકનોલોજી મારફતે સંશોધનો કરી રહ્યા છે.


હું મારા મતવિસ્તારના કપાસ બીજ ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતો, સિડસ કંપની ચલાવતા શ્રેષ્ઠીઓની મારફતે મળેલ બાબતો હું આપની સમક્ષ મુકી રહ્યો છું. દેશમાં તથા રાજયમાં કપાસના વાવેતરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ઉત્પાદન ક્ષમતા ઓછી થવાથી કપાસ ઉદ્યોગ વિશ્વ લેવલે બહું ખોખરો સાબિત થઈ રહયો છે. જેનું મુખ્ય કારણ ગુલાબી ઈયળના ઉપદ્રવથી ખેતી ખર્ચમાં દવા છાંટવાનો ખૂબ મોટો ખર્ચ. ટેકનોલોજીના અભાવે એકર દીઠ કપાસનું નીચુ ઉત્પાદન,નિંદામણનો પ્રશ્ન, ગુલાબી ઈયળના ઉપદ્રવથી ગુણવત્તા નીચી જાય છે.


બીટી કપાસની નવી ટેકનોલોજી BGII+RRF/HT VIP 3 જીન ધરાવે છે. જેની ભારત સરકાર ટ્રાયલ લઈને વેપારીક વાવતેર માટે ખેડૂતોને છૂટ આપવામાં આવેલ નથી. તેને ગેર કાયદેસર ગણવામાં આવે છે અને વિપક્ષ ધ્વારા નકલી બિયારણ તરીકેના આક્ષેપો કરીને સરકારને બદનામ કરવામાં આવે છે. રાજયનો ૩૦ ટકા વિસ્તાર અને અર્થતંત્રમાં મોટું યોગદાન આપતા કપાસના પાકને નિંદામણ અને ગુલાબી ઈયળથી બચાવતી નવી ટેકનોલોજી (BGII+RRF/HT VIP 3) ને મંજૂરી આપવા આપની કક્ષાએ તાત્કાલિક નિર્ણય લેવામાં મારી આપને ભલામણ છે.