Duplicate Seed: ગુજરાતમાં હાલ મોસમનું કાર્ય પૂર જોશમાં ચાલી રહ્યું છે. ભાવનગરના વલભીપુર તાલુકામાં ઘણા ખેડૂતોએ કપાસની ખેતીકરી છે. પરંતુ નકલી બિયારણના પરિણામે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. તાલુકા પંથકમાં નકલી બિયારણ આપી દેવાનું કૌભાંડ સામે આવ્યું છે છે. ચોમાસામાં ખેડૂતોને મોઢે આવેલો કોળિયો નકલી બિયારણના કારણે ઝૂંટવાય ગયો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.
બિલ વગર 4g બિયારણ આપી સૌથી સારો પાક થશે તેવી બાહેધરી આપવામાં આવી
ખેડૂતોને વિશ્વાસમાં લઈ બિલ વગર 4g બિયારણ આપી સૌથી સારો પાક થશે તેવી બાહેધરી આપવામાં આવી હતી. દરેક ગામો ગામ માન્યતા વગરનું બિયારણ વહેંચી ખેડૂતોના પાક પર નુકસાનીનું પાણી ફેરવી દીધું છે. ચાલુ વર્ષમાં વરસાદ પણ પૂરતા છે, કપાસમાં મોંઘા ભાવની દવા નો છંટકાવ કરવા છતાં કપાસમાં કોઈપણ જાતનો વિકાસ થયો નથી. જેના કારણે ધરતીપુત્રોને અત્યાર સુધી કરેલી મહેનત માથે પડી છે. જો તપાસ કરવામાં આવે તો ભાવનગર જિલ્લામાં હજારો ખેડૂતો ને મોટા પાયે નુકસાન થયું હોવાનું સામે આવી શકે છે.
બિયારણની ખરીદી વખતે શું સાવધાની રાખશો
- ખેડૂતોને કોઈપણ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ.
- બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પૂરું નામ સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બિલ સહી સાથે અવશ્ય લેવું.
- બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ, તેમજ તેની મુદત પૂરી થઈ ગયેલ નથી તે બાબતે ખાસ ચકાસણી કરવી અને કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા બિયારણની ખરીદી કરવી નહીં.
- ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા ૪જી અને ૫જી જેવા જુદા જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં.
- આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) ને તુરંત જાણ કરવી.
- વાવણી બાદ ખરીદેલ બિયારણનું પેકેટ/ થેલી તેમજ તેનું બીલ પણ સાચવી રાખવુ જરૂરી છે.