Kisan Drone: સમગ્ર વિશ્વમાં સૌપ્રથમ વખત ડ્રોન ટેકનોલોજી દ્વારા ખેતરમાં નેનો યુરિયાના છંટકાવનો ગુજરાતમાં ગાંધીનગર જિલ્લાના ઇસનપુર મોટા ગામથી શુભારંભ થયો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડ્રોનમાં નેનો યુરિયા ભરીને, ડ્રોન ઓપરેટ કરીને ઐતિહાસિક પહેલનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે આ પ્રસંગે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખેડૂતોની આવક બમણી કરવા સતત પ્રયત્નશીલ છે. ખર્ચ ઘટે અને ઉત્પાદકતા વધે એવા પ્રયત્નો કરાઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા અમે એ દિશામાં મહત્વનું પગલું ભર્યું છે.
નેનો યુરિયાના છંટકાવથી પાણીની પણ બચત થશે
કૃષિ વિમાન-કિસાનનું વિમાન એટલે ડ્રોન. એવી ઓળખ આપીને ડ્રોન ટેકનોલોજી દ્વારા ખેતરમાં નેનો યુરિયાના છંટકાવની સો ટકા રાજ્ય પુરસ્કૃત યોજનાનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે વર્તમાન સમયમાં હવે કોઈએ દેશ માટે મરી ફીટવાની જરૂર નથી હવે સૌએ દેશનું ગૌરવ વધે એ રીતે જીવન જીવવાની જરૂર છે. પ્રાકૃતિક સંપદાનું જતન અને સંવર્ધન થાય એ રીતે જીવવાનું છે. નેનો યુરિયાના ઉપયોગથી રાસાયણિક ખાતરોની આયાતમાં ખર્ચાતું વિદેશી હૂંડિયામણ બચશે અને સબસીડીનો ખર્ચ પણ ઘટશે. એટલું જ નહીં, ડ્રોન દ્વારા નેનો યુરિયાના છંટકાવથી પાણીની પણ બચત થશે. નાની નાની વસ્તુઓની કાળજી લેવાથી આપણે દેશની મોટી સેવા કરી શકીશું. દેશ અને દુનિયામાં ડ્રોન ટેકનોલોજી દ્વારા સૌપ્રથમ વખત ગુજરાતના ખેતરમાં નેનો યુરિયાનો છંટકાવ થઈ રહ્યો છે એ માટે તેમણે ખેડૂતોને અભિનંદન આપ્યા હતા.
વિશ્વમાં સૌ પ્રથમ વખત ડ્રોન દ્વારા નેનો યુરિયાનો છંટકાવ કરવાનો આરંભ કરવામાં આવ્યો છે, તેનો આનંદ વ્યક્ત કરીને ઇફકોના ચેરમેન દિલીપભાઇ સાંઘાણીએ જણાવ્યું, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોની સમૃદ્ધિ, સલામતી અને આર્થિક ઉન્નિતનું સ્વપ્ન જોયું છે. જેને સફળ બનાવવા રાજયના મુખ્યમંત્રી મક્કમતાથી આગળ ધપી રહ્યા છે. નેનો યુરિયાનું સંશોઘન વિશ્વમાં સૌ પ્રથમ ઇફકોએ કર્યું છે, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, દેશના વડાપ્રઘાનએ ધરતી અને વાયુના રક્ષણ તથા સૌ નાગરિકોના આરોગ્યની સલામતી માટે યુરિયાના વપરાશને ઘટાડવા અનુરોઘ કર્યો હતો.ઇફકોના સંશોધકોએ નવીન પ્રયોગો હાથ ઘરીને નેનો યુરિયાનું નિર્માણ કર્યું છે.
ડ્રોન થકી નેનો યુરિયાનું કામ ખેડૂતો ઝડપથી કરી શકશેઃ દિલીપ સંઘાણી
સહકારથી સમૃદ્ધિના સૂત્રને સાર્થક કરવા ઇફકોએ નેમ લીઘી છે, તેવું કહી તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોની સંસ્થા એવી ઇફકોએ 20 ટકા ડિવિડન્ડ આપ્યું છે. તે ઉપરાંત ગુજકોમાસોલ જેવી અનેક ખેડૂતોની સંસ્થાઓ ખેડૂતોને સારામાં સારું ડિવિડન્ડ આપી રહી છે. ડ્રોન થકી નેનો યુરિયાનું કામ ખેડૂતો ઝડપથી કરી શકશે. કૃષિક્ષેત્રે નવી ક્રાંતિની દિશામાં ખેડૂતોએ આ ટેકનોલોજી થકી ડગ માંડયા છે. ઇફકો સંસ્થા દ્વારા રાજયમાં 35 ડ્રોન લાવવામાં આવ્યા છે. ફિલ્ડ સ્ટાફને તાલીમબદ્ધ કરવામાં પણ આવ્યા છે.