Gujarat Agriculture News: સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશખબર છે. પશુપાલકો માટે દૂધમાં કિલોફેટે ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ભેંસના દૂધમાં કિલોફેટે ૨૦ રૂપિયાનો વધારો કરાયો છે, જ્યારે ગાયના દૂધમાં કિલોફેટે ૧૫ રૂપિયાનો વધારો કરાયો છે. ભેંસના દૂધના કિલોફેટે ભાવ ૮૩૦ રૂપિયા હતા જે વધારે ૮૫૦ રૂપિયા કરવામાં આવ્યા છે, ગાયના દૂધના કિલોફેટના ભાવ ૭૯૫ રૂપિયા હતા જે વધારી ૮૧૦ રૂપિયા કરવામાં આવ્યા છે. સુમુલ ડેરીના ચેરમેન માનસિંગ પટેલે આ જાહેરાત કરી હતી. સુરત-તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકોને વાર્ષિક ૬૦ કરોડનો ફાયદો થશે.


સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ થતાં જ દૂધના ભાવમાં થયો હતો વધારો


લોકસભા ચૂંટણીનું તમામ તબક્કાનું મતદાન પૂરું થવાની સાથે જ લોકોને એક બાદ એક ઝટકા લાગી રહ્યા છે. બે દિવસ પહેલા અમૂલ બાદ મધર ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો હતો. મધર ડેરીએ તમામ દૂધના ભાવમાં રૂ. 2 સુધી પ્રતિ લિટરે વધારો કર્યો હતો. મધર ડેરી જે મુખ્યત્વે દિલ્હી-એનસીઆરમાં દૂધ અને અન્ય ઉત્પાદનોનું વેચાણ કરે છે, તેણે સોમવારે કહ્યું કે તેણે તેના દૂધની કિંમતમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. મધર ડેરીના દૂધના ભાવમાં આ વધારો આજથી એટલે કે 3 જૂન, 2024થી અમલમાં આવ્યો છે. આ વધારા બાદ મધર ડેરીના લગભગ તમામ દૂધના ભાવ વધી ગયા છે.


મધર ડેરીએ જણાવ્યું હતું કે છેલ્લા 15 મહિના દરમિયાન ખર્ચમાં થયેલા વધારાને કારણે દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. દૂધના વધેલા ભાવ દિલ્હી-NCR સહિત તમામ બજારોમાં લાગુ થશે, જ્યાં મધર ડેરીનો બિઝનેસ છે. મધર ડેરીનું કહેવું છે કે આ પગલું તેને સતત વધી રહેલા ઉત્પાદન ખર્ચના બોજને ઘટાડવામાં મદદ કરશે, જે તેને છેલ્લા એક વર્ષથી પરેશાન કરી રહી છે.


અમૂલે રવિવારે ભાવ વધારાની જાહેરાત કરી હતી. અમૂલ દૂધના વિવિધ વેરિઅન્ટના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ વધારો આજથી સોમવાર, 3 જૂનથી અમલમાં આવ્યો છે. આ વધારા પછી, અમૂલ ભેંસ દૂધ, અમૂલ ગોલ્ડ મિલ્ક અને અમૂલ શક્તિ દૂધના ભાવ અનુક્રમે 72 રૂપિયા, 66 રૂપિયા અને 60 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયા છે.