Potato Farmer’s Banaskantha: બનાસકાંઠા જિલ્લો બટાકા ઉત્પાદનનું હબ ગણાય છે ત્યારે ગત વર્ષે બટાકા માં ભાવ ગગડ્યા હતા અને ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં બટાકા મૂકવા મજબૂર બન્યા હતા. બટાકામાં ભાવ ના મળતા ભારે નુકસાનને લઈને ખેડૂતો પરેશાન હતા ત્યારે સરકાર દ્વારા બટાકા કોલ્ડ સ્ટોરમાં મૂકવા માટેની સહાયની જાહેરાત કરવામાં આવી હતી. જોકે 8 મહિના જેટલો સમય વિતી ગયો છે પરંતુ હજુ સુધી બટાકાની સહાય ખેડૂતોને મળી નથી જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર કરવામાં આવે છે. પાલનપુર, વડગામ, ડીસા, ધાનેરા દિયોદર, દાંતીવાડા, સહિતના તાલુકાઓમાં મોટા પ્રમાણમાં ખેડૂતો બટાકાનું વાવેતર કરી રહ્યા છે ત્યારે ગત વર્ષે બટાકાનું મબલક ઉત્પાદન થયું હતું .જોકે ભાવ ના મળવાના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. બટાકાના વાવેતરમાં ઉત્પાદન તો ખેડૂતોને ઘણું થયું હતું પરંતુ ભાવ તળિયે બેસી ગયા હતા અને જેના કારણે ખેડૂતોને નુકસાન થતાં ખેડૂતોએ બટાકાના ભાવ ના મળતા બટાકા કોલ્ડ સ્ટોરમાં મૂકવા માટે મજબૂર બન્યા હતા. મોટાભાગના ખેડૂતોએ ભાવ નાં મળતા બટાકાનો કોલ્ડ સ્ટોર માં સંગ્રહ કર્યો હતો. જોકે બટાકાના સંગ્રહને લઈને ભાડું ચૂકવવું ખેડૂતો ને પોસાય તેમ નહોતું ત્યારે સરકાર પાસે સહાયની માંગ કરી હતી. ત્યારે સરકારે એક કટ્ટા દીઠ 50 રૂપિયા એમ 600 કટ્ટાની મર્યાદા સુધીમાં સહાય આપવાની જાહેરાત કરી હતી.
તાત્કાલિક સહાય ચૂકવવાની ખેડૂતોની માંગ
જોકે છેલ્લા આઠ થી નવ મહિના વીતવા છતાં હજુ સુધી પણ ખેડૂતોના ખાતામાં આ બટાકાની સહાય આવી નથી તેને લઈને ખેડૂતો નિરાશ જોવા મળી રહ્યા છે અને સરકાર જલદી સહાય ચૂકવે તેવી માંગ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં જુદા જુદા 200 કોલ્ડ સ્ટોરેજ માં ખેડૂતોએ પોતાના બટાકોનો સંગ્રહ કર્યો હતો .સરકારની સહાય સરકારના ધારા ધોરણ મુજબ ખેડૂતોને ચૂકવવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. જોકે છેલ્લા કેટલા મહિનાઓ વિતી ગયા છતાં હજુ સુધી ખેડૂતોને આ બટાકા સંગ્રહ માટેની જે સહાય હતી તે ચૂકવાઇ નથી. ત્યારે ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવે તો નવા જે વાવેતર કરવાના છે તેમાં ખેડૂતોને પૈસા ઉપયોગ થઈ શકે.
જિલ્લા બાગાયત અધિકારીએ શું કહ્યું ?
જોકે બટાકાની સહાયને લઈને જિલ્લા બગાયત અધિકારીનું કહેવું છે કે સરકાર દ્વારા જે સહાય ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી તેને લઈને જિલ્લામાં 41 હજાર થી વધારે અરજીઓ આવી હતી અને તે અરજીઓ ની તમામ ચકાસણી કરવામાં આવી હતી. તમામ જે પ્રોસેસ છે તે હવે પૂરી કરવામાં આવી છે, એકાદ દોઢ મહિનામાં જે સહાય છે તે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે.
આ પણ વાંચોઃ