Farmer's Succes Story: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે “આત્મનિર્ભર ખેડુતો અને સ્વાવલંબી ખેતી દ્વારા આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા” આહવાન કર્યું છે ત્યારે તાપી જિલ્લામાં પ્રાકૃતિક ખેતી અપનાવી અનેક ખેડૂતો જિલ્લાને આત્મનિર્ભર બનાવાની દિશામાં આગળ વધી રહ્યા છે.



તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બેડકુવા ગામના વતની નાનસિંગભાઇ અમર્સિંગભાઈ ચૌધરી એક નિવૃત્ત વનરક્ષક અધિકારી છે. જેમણે નિવૃતિ પહેલા સજીવ ખેતી અપનાવી ધરતીમાતાનું ઋણ અદા કરવાનો વિચાર કર્યો હતો. નિવૃતિ બાદ છેલ્લા 6 વર્ષથી “સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી” પદ્ધતિથી ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે. આ સાથે શેરડીના ઉત્પાદન બાદ વેલ્યુએડીશન કરી પ્રાકૃતિક ગોળ બનાવી તેનું વેચાણ કરી આવક મેળવી રહ્યા છે.

પ્રાકૃતિક ખેતી અંગે પોતાના અભિપ્રાય આપતા તેમણે જણાવ્યું કે, મારી ચાર એકરની જમીન છે, જેમાં હું ખેતી કરૂ છું. 2016માં “સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી” અપનાવી ત્યારથી આજદિન સુધી મે ક્યારેય ખેતરમા રસાયણીક ખાતર નાખ્યું નથી. ફકત દેશી ગાયના છાણ અને મુત્રમાંથી બનાવેલુ ખાતર જ ઉપયોગ કરૂ છું. આ સિવાય ઝાડ પાનનો જ ઉપયોગ જંતુનાશક દવા તરીકે કરૂ છું. મારો મુખ્ય પાક શેરડી છે. આ સિવાય શેરડી સાથે આંતરપાક તરીકે શાકભાજી તેમજ કઠોળ કરીએ છે. શેરડીનો પાક અને આંતરપાકો દ્વારા મે વર્ષ 2021-22માં 3,50,000ની આવક મેળવી છે. જેની સામે 50,000 ખર્ચ અને 3,00,000 નફો થયો છે.

શેરડીના ઉત્પાદન બાદ વેલ્યુએડીશનથી બનાવે છે ગોળ


ગોળ અંગે જાણકારી આપતા તેમણે ઉમેર્યુ કે, હું છેલ્લા ત્રણ વર્ષથી મારા ખેતરની શેરડીનો જ ગોળ બનાવુ છું. પ્રાકૃતિક ખેતીથી બનાવેલ ગોળ લોકોએ વધારે પસંદ કર્યો છે. ઘર બેઠા લોકો ગોળ લઇ જાય છે. આસપાસના જિલ્લાના લોકો ઘર શોધતા ગોળ લેવા આવે છે. સારો, સ્વાદિષ્ટ અને સેહતમંદ ગોળ અમે પુરો પાડીએ છીએ.

પ્રાકૃતિક ખેતીના ફાયદા વિશે વધુ જણાવતા તેમણે કહ્યુ કે, પ્રાકૃતિક ખેતી કરવાથી જમીન પોચી થાય છે. જેના કારણે અળસીયા વધુ થાય છે. પર્યાવરણની દ્રષ્ટિએ જોઇ તો આ ખેતીમા પ્રદૂષણ નજીવુ છે. ગ્લોબલ વોર્મીંગની સમસ્યા પણ આપણે આ રીતે દૂર કરી શકીશું. તેમણે સૌ ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરતા વિનંતી કરી હતી કે, સરકાર જ્યારે પ્રાકૃતિક ખેતી માટે સહાય આપી રહી છે ત્યારે આપણે સૌની જવાબદારી છે કે, પ્રદૂષણ મુક્ત ખેતી કરી પોષ્ટીક અનાજ પકવીએ. જેના કારણે આપણી સાથે આપણા પશુઓનું સ્વાસ્થ્ય પણ સારૂ રહેશે. પ્રાકૃતિક ખેતી દ્વાર મળેલ પાક સારો, પોષ્ટીક અને ઝેર મુક્ત હોય છે. પહેલા લોકો ફક્ત પોતાના માટે છાણીયુ ખાતરમા પકવેલ અનાજનો ઉપયોગ પોતાના પરિવાર માટે કરતા હતા. પરંતુ આપણે ખેડૂત છીએ. ખેડૂત જગતનો તાત છે. આપણે ફક્ત પોતાના માટે નહીં પરંતુ બધા માટે પોષ્ટીક અને ઝેરમુક્ત અનાજ ઉગાડીએ એ આપણી ફરજ છે.

નાનસિંગભાઇ પ્રાકૃતિક ખેતીની સાથે જરૂરી એવું જીવામૃત, બીજામૃત, ઘનામૃત, પાક સાથે આંતરપાક લેવાની પધ્ધ્તિ, જીવામૃત જમીનમા પહોચાડવાની પદ્ધતિ, આચ્છાદન કરવાની પદ્ધતિ અંગે વિસ્તૃત સમજ આપી હતી.  આ સાથે નજીકના સમયમાં ખેતરમા જંગલ મોડલ બનાવવાની પ્રક્રિયા અંગે સમજાવતા વધુમા ઉમેર્યુ કે, શેરડીના પાક સાથે સરગવા અને કેરીની કલમો કરી છે. સરગવાના પાન અને ડાળીઓ આચ્છાદનમાં ઉપયોગમા આવે છે. તેમણે ખેતરમાં જ કેરીના ગોટલા ઉગાડી ત્યાર બાદ તેની કલમો કરી છે. તેઓના અનુસાર આમ કરવાથી આંબાના મુળ ઉંડે સુધી જાય છે અને ઉનાળામાં સુકાતા નથી કે વાવાઝોડામાં ઉખડતા નથી. આ પ્રકારે ક્લમી આંબો કુદરતી આંબાની ગરજ સારે છે.


આસપાસના ગામોના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા

પ્રાકૃતિક કૃષિમાં કૃષિખર્ચ નહિંવત આવે છે. ઉત્પાદન વધે છે, જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધવાથી જમીન ફળદ્રુપ બને છે અને સરવાળે ખેડૂતો માટે લાભકારી સાબિત થાય છે. મુખ્ય પાક સાથે અનેક પાકનું ઉત્પાદન મેળવવું એ પ્રાકૃતિક ખેતીનો ફાયદો છે. આ સિધ્ધાંતના આધારે નાનસિંગભાઇ જેવા અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. આજે નાનસિંગભાઇને પ્રાકૃતિક ખેતી દ્વારા સમૃધ્ધિ મેળવતા જોઇ તેઓના ગામના અન્ય ખેડૂત મિત્રો અને આસપાસના ગામોના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.