Gujarat Government Agriculture Scheme: રાજ્યમાં બાગાયતી ખેતીના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાતમાં ફળપાકોનું વાવેતર વધારવા રાજ્ય સરકારના બાગાયત ખાતા દ્વારા ચાલુ વર્ષથી “ગ્રો મોર ફ્રુટ ક્રોપ અભિયાન” (Grow More Fruit Crop Campaign) શરુ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ રાજ્યના વધુમાં વધુ ખેડૂતો વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય મેળવીને ફળપાકોનું મહત્તમ વાવેતર કરે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે.


બાગાયતી ફળપાકોનો વાવેતર વિસ્તાર વધારવા રાજ્ય સરકારે નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય, ટીસ્યુકલ્ચર ખારેક, ફળપાક પ્લાન્ટીંગ મટેરીયલ્સમાં સહાય, કોમ્પ્રિહન્સીવ હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ કાર્યક્રમ, ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો, પપૈયા, આંબા, જામફળ, કમલમ ફળપાકના વાવેતર માટે સહાય અને સરગવાની ખેતીમાં સહાય જેવી અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. ખેડૂતો આ યોજનાઓનો સરળતાથી લાભ મેળવી, ગ્રો મોર ફ્રુટ ક્રોપ અભિયાનને વેગ આપી શકે તે માટે આઈ-ખેડુત પોર્ટલ આગામી તા. 15મી ઓગસ્ટ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરીને આ યોજનાઓનો લાભ મેળવી શકશે. અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ/કોપી લઇ જરૂરી સાધનિક કાગળો સાથે જિલ્લાના નાયબ/ મદદનીશ બાગાયત નિયામકની કચેરીએ સમય મર્યાદામાં મોકલી આપવા ખેડૂતોને બાગાયત નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.




ખેડૂતોની આવક બમણી થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ સ્કીમ ચલાવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે આઈખેડૂત પોર્ટલ પર નોંધણી કરાવવી પડે છે.  આ ઉપરાંત ખેડૂતોનો સમય બચે અને તેમને ઘરે બેઠાં જ બધી સુવિધાઓ પ્રાપ્ત થાય એ માટે I-khedut પોર્ટલ પર ખેડૂતને જરૂરી તમામ યોજનાઓની માહિતી, સાધન સામગ્રીની વિગતો, કૃષિ વિશે મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ, હવામાનની માહિતી વગેરે બસ આંગળીના ટેરવા પર ઉપલબ્ધ છે.


i-Khedut પોર્ટલ પર કઈ કઈ માહિતી મળે છે



  • વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી

  • યોજનાકીય લાભો માટે ઓનલાઈન અરજી

  • લાભાર્થીઓની યાદી

  • ડિલર પાસે ઉપલબ્ધ કૃષિ વિષયક સાધન સામગ્રીની વિગતો

  • કૃષિ ધિરાણ આપનાર બેંક/સંસ્થાની માહિતી

  • અદ્યતન કૃષિ અને સંલ્ગન વિષયક તાંત્રિક માહિતી

  • કૃષિ પેદાશોના વિવિધ એ.પી.એમ,સીના બજાર ભાવ

  • ખેતીમાં મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ

  • ખેતીની જમીન ખાતાની વિગતો

  • હવામાનની માહિતી