Gujarat Agriculture News: ગુજરાતમા હાલ ખરીફ સીઝનનું વાવેતર ચાલી રહ્યું છે. આ સીઝનમાં ખેડૂતોને યુરિયા ખાતરની મોટા પ્રમાણમાં જરૂર પડે છે. આ દરમિયાન કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, રાજ્યમાં યુરિયા ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ખેડૂત મિત્રોએ ખોટી અફવાઓથી પ્રેરાવવું નહિ અને જરૂરીયાત મુજબ જ ખાતર ખરીદવું. કૃષિ મંત્રી ગાંધીનગર ખાતે ખેતીવાડી ખાતાના ઉચ્ચ અધિકારીઓ તેમજ મુખ્ય ખાતર વિતરક સંસ્થાઓ સાથે ખાતરની ઉપલબ્ધતા અંગે બેઠક કરી હતી.



રાજ્યમાં ખેડૂતલક્ષી કોઇપણ સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવી ખેડૂતોને જરૂરી તમામ મદદ પૂરી પાડવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ હોવાનું રાઘવજી પટેલે જણાવ્યું હતું. તેમણે કહ્યું, રાજ્યમાં યુરિયા ખાતરનું વિતરણ સુવ્યવસ્થિત રીતે થાય અને ખાતરની ખેંચ ન પડે તે મુજબનું આયોજન કરવા સૂચનાઓ આપી છે.  
રાજ્યમાં યુરિયા ખાતરની ઉપલબ્ધતા અંગે ખેડૂતો તરફથી મળેલા સૂચનોને ધ્યાને લઇ કૃષિ મંત્રીએ ગાંધીનગર ખાતે ખેતીવાડી ખાતાના ઉચ્ચ અધિકારીઓ, મુખ્ય ખાતર વિતરક સંસ્થાઓ સાથે બેઠક કરીને ખાતરની ઉપલબ્ધતા અંગે વર્તમાન પરીસ્થિતિની સમીક્ષા કરી હતી.


કૃષિ મંત્રીએ ખેડૂતોને શું કર્યો અનુરોધ ?


કૃષિ મંત્રીએ ખેડૂતોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં જરૂરિયાત મુજબનો યુરિયા ખાતરનો જથ્થો પૂરતા પ્રામાણમાં ઉપલબ્ધ છે અને આ જથ્થો પૂરતો જળવાઈ રહે તે મુજબ અમલવારી પણ કરવામાં આવી રહી છે. ખેડૂતમિત્રોએ કોઈપણ અફવાઓથી પ્રેરાવવું નહિ તેમજ જરૂરીયાત મુજબ યુરીયા ખાતરની ખરીદી કરી બિનજરૂરી સંગ્રહ કરવો નહિ. તેમ છતાં યુરિયા ખાતરના જથ્થા બાબતે કોઇપણ પ્રશ્ન હોય તો સંબંધિત જિલ્લાના નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) ની કચેરીનો સંપર્ક કરવા જણાવ્યું છે.





રાજ્યના ખેડૂતોને સમયસર અને પૂરતા પ્રમાણમાં યુરીયા ખાતરનો જથ્થો મળી રહે તે માટે મુખ્ય ખાતર વિતરક સંસ્થાઓ ગુજકોમાસોલ અને ગુજરાત એગ્રો ઈન્‍ડસ્ટ્રીઝ કોર્પોરેશેનને યુરિયા ખાતરનું વિતરણ સુવ્યવસ્થિત રીતે થાય અને ખાતરની ખેંચ ન પડે તે મુજબનું આયોજન અને તેની ચુસ્તપણે અમલવારી થાય તે સુનિશ્ચિત કરવા મંત્રીશ્રીએ સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત ખાતર વિતરણ વ્યવસ્થાનું મોનીટરીંગ કરવા પણ અધિકારીઓને જણાવ્યું હતું.





ખેતીવાડી ખાતાના નિયામક દ્વારા પણ યુરિયા ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય તે માટે એકશન પ્લાન ઘડવામાં આવ્યો છે. જેનું અમલીકરણ ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ થઇ રહ્યું છે. ભારત સરકાર સાથે થયેલા યુરિયા ખાતરની ઉપલબ્ધતા બાબતેની સમીક્ષા બેઠકમાં પણ ભારત સરકાર દ્વારા ગુજરાતને ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો પૂરો પાડવા માટે આયોજન કર્યું છે. ખેતીવાડી ખાતાના ગુણવત્તા નિયંત્રણ તંત્રના ધ્યાને ખાતરના ડાઈવર્ઝનના કિસ્સામાં લગત ડીલર કે વિક્રેતાની સામે કાયદેસરની કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવે છે, અને તેની સામે વિવિધ અધિનિયમ અને એક્ટની જોગવાઈ અનુસાર કાનૂની પગલા પણ લેવામાં આવશે.


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial