Gujarat Agriculture Scheme: ફૂલોની ખેતી કરતા ખેડૂતોના જીવનમાં પણ વાસંતી વાયરા જેવો માહોલ છે. ગુજરાત સરકાર દ્વારા અપાતી બિયારણ, ખાતર સહિતની સહાયથી ફૂલોનું મબલખ ઉત્પાદન થાય છે. જેનાથી ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ ઘટે છે, ઉપરાંત, વધુ ઉત્પાદનથી વધુ આવક થાય છે. આમ ખેડૂતોને બેવડો ફાયદો થાય છે. 


રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના દેવગામ ખાતે રહેતા ખેડૂત અરવિંદભાઈ ડોબરિયા 15 વર્ષથી ફૂલોની ખેતી કરે છે. ફૂલોની ખેતીમાં ગુજરાત સરકાર તરફથી મળતી સહાય બદલ તેઓ આભારની લાગણી વ્યક્ત કરે છે. અરવિંદભાઈ કહે છે કે, ગામના જાગૃત નાગરિક પાસેથી બાગાયત યોજનાની જાણકારી મળતા તેમણે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી હતી. જે મંજૂર થતાં ગલગોટાની ખેતી માટે ખાતર, બિયારણ અને પાકમાં છાંટવાની દવાના બિલ ઉપર તેમને રૂ. 17,600ની સહાય મળી હતી. જેને લીધે ખર્ચમાં બચત થતાં નફાનું પ્રમાણ વધ્યું છે અને પરિવારને આર્થિક રાહત મળી છે. તેમણે અન્ય ખેડૂતોને સરકારી યોજનાઓનો લાભ લેવા અપીલ કરી છે.




મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળની સરકારમાં કૃષિ કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલી છે. રાજ્ય સરકારનો બાગાયત વિભાગ ફૂલોની ખેતીને ઉત્તેજન આપવા માટે ખેડૂતોને વિવિધ સહાય આપે છે. જેમાં ફૂલોના બિયારણની ખરીદી, વાવણી, નિંદામણ, કાપણી, ખાતર ખરીદી, દવાના છંટકાવ, પ્લાન્ટિંગ મટીરીયલ વગેરે માટે આર્થિક સહાય અપાય છે.


કેટલી મળે છે સહાય


ફૂલોની ખેતીમાં અપાતી સહાય અંગે, રાજકોટ જિલ્લા બાગાયત વિભાગના નાયબ નિયામક રસિકભાઈ બોઘરા જણાવે છે કે, દાંડી ફૂલો (કટ ફ્લાવર્સ)નાં વાવેતર માટે નાના અને સીમાંત ખેડૂતોને ખર્ચના 40 ટકા, અથવા મહત્તમ રૂ. 40 હજાર પ્રતિ હેક્ટર આર્થિક સહાય અપાય છે. જ્યારે અન્ય ખેડૂતો માટે ખર્ચના ૨૫ ટકા અથવા મહત્તમ રૂ. 25 હજાર પ્રતિ હેક્ટર આર્થિક સહાય અપાય છે. જ્યારે કંદ ફૂલોનાં વાવેતર માટે નાના અને સીમાંત ખેડૂતો માટે ખર્ચના 40 ટકા અથવા મહત્તમ રૂ. 60 હજાર પ્રતિ હેક્ટર સહાય જ્યારે  અન્ય ખેડૂતોને ખર્ચના ૨૫ ટકા અથવા મહત્તમ રૂ. 37,500 આર્થિક સહાય આપવામાં આવે છે.  છૂટાં ફૂલોનાં વાવેતર માટે નાના અને સીમાંત ખેડૂતો માટે ખર્ચના 40 ટકા અથવા મહત્તમ રૂ. 16 હજાર પ્રતિ હેક્ટર જ્યારે અન્ય ખેડૂતોને ખર્ચના 25 ટકા અથવા મહત્તમ રૂ.10૦ હજાર પ્રતિ હેક્ટર સહાય અપાય છે.  આ ત્રણેય યોજનામાં લાભાર્થી દીઠ મહત્તમ બે હેક્ટર સુધી સહાય અપાય છે. આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા ત્રણેય યોજનામાં વધારાની 15 ટકા પૂરક સહાય પણ અપાય છે.