Drone training for farmers: ‘કૌશલ્ય સાથે શિક્ષણ’ના હેતુ સાથે રાજ્યના યુવાનોના કૌશલ્યને કેન્દ્રમાં રાખીને ‘સ્કિલ સ્માર્ટ’ અભ્યાસ થકી રોજગારી આપવાના ઉદ્દેશથી કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સ્કિલ ઇન્ડિયા’ના વિઝનને સાર્થક કરવામાં, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં નાગરિકોને સમયની માંગ અનુસાર કૌશલ્ય તાલીમ પ્રદાન થાય તેના માટે યોજનાબદ્ધ કામગીરી થઇ રહી છે. આ દિશામાં આગામી સમયમાં ગુજરાતમાં ખેડૂતો તથા ખેડૂત પુત્રોને નજીવા દરે ડ્રોન પાયલટની તાલીમ આપવાનું આયોજન છે. જેમાં ₹1200ના દરે ડ્રોન પાયલટની તાલીમ આપવામાં આવશે.
19 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં પાયલટ તાલીમ શરૂ થશે
હાલમાં કૌશલ્યા સ્કિલ યુનિવર્સિટી દ્વારા કલોલમાં RTPO (રિમોટ પાયલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન) કાર્યરત છે. આગામી સમયમાં પાયલટ ટ્રેનિંગની માંગને પહોંચી વળવા માટે શીલજ કેમ્પસ ખાતે નવી RTPOની મંજૂરી આપવામાં આવી છે. તે સિવાય વધુ 19 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે તાલીમ શરૂ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ નવી સંસ્થાઓમાં ખેડૂત તથા ખેડૂત પુત્રોને ₹1200ના નજીવા દરથી ડ્રોન પાયલટ તાલીમ ઉપલબ્ધ કરવામાં આવશે. સામાન્ય રીતે આવી તાલીમ ખાનગી ક્ષેત્રે ₹50 થી 60 હજારમાં ઉપલબ્ધ થાય છે. અત્યારના સમયમાં ડ્રોનથી રાસાયણિક ખાતર/દવાના છંટકાવની કામગીરી કૃષિક્ષેત્રની માંગ છે. હાલની રૂઢિગત પરંપરા મુજબ પંપથી છંટકાવના કારણે ખેડૂતોના સ્વાસ્થ્યને વિપરીત અસર થાય છે. ડ્રોનથી છંટકાવના કારણે દવા અને ખાતરની બચત થાય છે તથા સમગ્ર ખેતરમાં જરૂરિયાત મુજબની માત્રામાં છંટકાવ થવાથી ખેત ઉત્પાદનમાં પણ વધારો જોવા
મળે છે.
ડ્રોન ઉત્પાદનનું ટાઈપ સર્ટિફિકેટ, ડ્રોન મંત્રા લેબમાં 100 ડ્રોનનું નિર્માણ
હાલમાં યુનિવર્સિટી દ્વારા જુદી જુદી 6 વિદ્યાશાખાઓ મારફતે સર્ટિફિકેટ કોર્સિસથી પી.એચ.ડી. કક્ષાના અભ્યાસક્રમો ચાલે છે. આ પૈકી “સ્કૂલ ઓફ ડ્રોન” દ્વારા ડ્રોન ક્ષેત્રની સંપૂર્ણ કુશળતાને આવરી લેતા અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન, નવી દિલ્હી દ્વારા કૌશલ્યા યુનિવર્સિટીના અમદાવાદ ખાતે કાર્યરત ડ્રોન મંત્રા લેબને ડ્રોન ઉત્પાદન માટે ટાઈપ સર્ટિફિકેટ મળ્યું છે. આ પ્રકારનું પ્રમાણપત્ર મેળવનાર દેશની આ પ્રથમ યુનિવર્સિટી છે. ડ્રોન મંત્રા લેબ રાયપુર અમદાવાદ ખાતે 100 જેટલા ડ્રોનનું ઉત્પાદન પણ કરવામાં આવ્યું છે. જે ડ્રોનનું નિર્માણ કરવામાં આવ્યું છે તે સ્મોલ કેટેગરીનું ડ્રોન છે, જેને ‘કૌશલ્યા ડ્રોન’ નામ આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને ડ્રોન નિર્માણ અંગે જરૂરી તાલીમ મળવાથી તેઓ આ ક્ષેત્રમાં સર્વાંગી અનુભવ મેળવી રહ્યા છે. યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત આ ડ્રોનનો ઉપયોગ રાજ્યના અન્ય જિલ્લોમાં ડ્રોન પાયલટ તાલીમની સુવિધા વિસ્તારવા માટે કરવામાં આવશે.