નવસારીમાં ચીકુ પકવતા ખેડૂતોમાં દિવાળી પહેલા ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આ વખતે ચોમાસા બાદ વાતાવરણ સારુ રહેતા નવસારીમાં ચીકુનો મબલખ પાક થયો છે. જેથી દિવાળી પૂર્વે અમલસાડ APMC માં વેકેશન હોય ત્યાં આ વખતે માર્કેટમાં રોજના 4 હજાર મણ ચીકુની આવક થઈ રહી છે અને ભાવ પણ સારો મળતા ખેડૂતોની દીવાળી સુધરી ગઇ છે.




દિવાળી પૂર્વે અમલસાડ APMCમાં રોજના 4 હજાર મણ ચીકુની આવક થઈ રહી છે અને ભાવ પણ સારો મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે છેલ્લા થોડા વર્ષોથી વર્ષમાં બે વાર થતા ચીકુના પાકમાં ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવું પડ્યું હતું. પરંતુ આ વર્ષે ચોમાસામાં પૂરની સ્થિતિ નહીવત રહેવા સાથે જ ચોમાસા બાદ પણ માવઠું ના પડતા પાક સારો રહ્યો છે. ગત દિવસોમાં તાપમાન 30 ડિગ્રી આસપાસ રહેતા ચીકુના ઉત્પાદનમાં વધારો થયો છે. જેના કારણે દિવાળી બાદ લાભ પાંચમથી શરૂ થતી ચીકુની સીઝનનો એક મહિનો વહેલો પ્રારંભ થયો છે.


સમગ્ર ભારતમાં નવસારીના અમલસાડી ચીકુની માંગ રહે છે. ત્યારે અમલસાડ APMCમાં હાલમાં 4 હજાર મણથી વધુની આવક થઈ રહી છે.જેની સાથે જ ગુણવત્તા પણ સારી હોવાથી ભાવ પણ એક મણનો 700થી 1200 રૂપિયા સુધી મળી રહ્યો છે.જ્યારે હાલમાં બે ત્રણ દિવસોથી ઠંડીના પ્રાંરભ થવાથી ચીકુ લીલા આવી રહ્યા છે, જેમાં પણ 500 થી 900 રૂપિયા ભાવ મળી રહ્યો છે...જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.


અમલસાડ APMC માં સામાન્ય રીતે દિવાળી પહેલા ચીકુની આવક ઓછી રહે છે. જેના કારણે APMC સહિત આસપાસની ગ્રામ્ય મંડળીઓમાં દિવાળી દરમિયાન ચીકુ લેવાના બંધ થાય છે અને લાભ પાંચમથી ચીકુની હરાજી શરૂ કરવામાં આવે છે. જે ડિસેમ્બર જાન્યુઆરી સુધી ચાલે છે. અમલસાડના ચીકુ ગુજરાત બહાર પંજાબ, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં મોટા પ્રમાણમાં ચીકુ મોકલવામાં આવે છે. ત્યારે હાલમાં ચીકુની સારી આવકને જોતા રોજના 8 થી 10 ટ્રક ચીકુ પંજાબ, મધ્યપ્રદેશ, રાજસ્થાન મોકલવામાં આવી રહ્યા છે. જેથી ખેડૂતો સાથે વેપારીઓમાં પણ દિવાળી સારી જવાની ખુશી છે.

વાતાવરણે ગત વર્ષોમાં ખેડૂતોને રડાવ્યા હતા જ્યારે આ વર્ષે વાતાવરણને કારણે જ ચીકુના ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ત્યારે જિલ્લાના અન્ય પાકોમાં પણ આજ રીતે વાતાવરણ ફળદાયી રહે એવી આશા પણ ખેડૂતોમાં બંધાઈ છે.