Mango Price: જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાગાયત વિભાગ દ્વારા કેસર કેરીના જન્મદિવસની ઉજવણીમાં કેરીના વિવિધ જાતોનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. જેમાં જાપાનમાં ઉત્પાદિત થતી ઈરવિન એપલ મિયાઝાકી નામની કેરીએ આકર્ષણ જમાવી હતું. આ કેરીને સુમિત શમ્સુદ્દીન નામના યુવાન ખેડૂત જાપાનથી લાવ્યા હતા.


કિલોનો કેટલો હોય છે ભાવ 


સુમિતના જણાવ્યા મુજબ ઈરવિન એપલ મિયાઝાકી મેંગો કિલોના ભાવ રૂ. 2 લાખ સુધીના છે. જે સાંભળી કોઈપણ નવાઈ પામે. પરંતુ આ ભાવ 5 થી 10 ટકા ઉત્પાદિત કેરીને મળે છે. આ કેરીના વેચાણ માટે વજન, કલર, મીઠાશ વગેરેના માપદંડો હોય છે. જે માપદંડોમાં આ કેરીના ફળ ફીટ બેસે તેની હરાજી કરવામાં આવે છે. તેમાં તેની આ કિંમત ચૂકવવામાં આવે છે. અન્ય 90 ટકા કેરીની ગુણવત્તા આધારે વેચાણ થાય છે એટલે કે જેમ ગુણવત્તા ઘટતી જાય તેમ ભાવ પણ ઓછો મળે છે. આ કેરીનું વિશિષ્ટ ન્યુટ્રીશન વેલ્યુ નથી તેમ સુમિતે જણાવ્યું હતું.



શું છે આ કેરીના ખાસિયત



  • ઈરવિન એપલ મિયાઝાકી મેંગો અતિ મોંઘી હોવા પાછળ તેનું ઉત્પાદન ખર્ચ છે.

  • જાપાનમાં ગરમી પડતી નથી જેથી ગ્રીન હાઉસમાં કેરી પકવવામાં આવે છે.

  • ગરમી માટે હિટ આપવામાં આવે છે જેથી લાખો રૂપિયાનું લાઈટ બિલ આવે છે.

  • ઉપરાંત કેરીના એક ઝાડમાંથી મર્યાદિત જ ફળ લેવામાં આવે છે.

  • આમ, ગુણવત્તા જાળવવા માટે ઝાડ પરના નિશ્ચિત સંખ્યા કરતા વધુના ફળને દૂર કરી દેવામાં આવે છે.

  • જાપાનની આ પ્રખ્યાત કેરી વેરાયટી પાકવા પર લાલ થાય છે.

  • મધ્યમ મીઠા સ્વાદ સાથે ખુશ્બુદાર અને રેશારહિત ફળ છે.


જૂનાગઢમાં પ્રદર્શિત થયેલી કેરીની કિંમત કેટલી ?


આ પ્રદર્શનમાં રજૂ કરાયેલ ઈરવિન એપલ મિયાઝાંકી નામની કેરીની કિંમત રૂ. 5 હજાર હતી. જાપાનના પ્રવાસ દરમિયાન સુમિતે કેરીની ઉત્પાદન પદ્ધતિ, બજાર વગેરેની જાણકારી મેળવી હતી. જેનાથી ખેડૂતો અને ઉપસ્થિત મહાનુભવોને અવગત કરાવ્યા હતાં.


જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાગાયત વિભાગ દ્વારા પ્રથમવાર મધુર સ્વાદ માટે જાણીતી  કેસર કેરીનો જન્મદિવસ તાજેતરમાં ઉજવવામાં આવ્યો હતો. તેના અનુસંધાને ’કેરીની રાણી કેસર’ શીર્ષક ઉપર આયોજિત કાર્યશાળામાં ગીરની કેસર કેરીનો સ્વાદ-સોડમ દુનિયાના ખૂણે-ખૂણેમાં પ્રસરે તે દિશામાં પ્રયાસો હાથ ધરવાનો સૂર વ્યક્ત કરવામાં આવ્યો હતો.