PM Modi in Natural Farming Conclave: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રાકૃતિક ખેતી સંમેલન (Natural Farming Conclave)ને સંબોધન કર્યું. ગુજરાતના સુરતમાં આયોજિત કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધન કરતા તેમણે કહ્યું, ગુજરાતનું પ્રાકૃતિક ખેતી મોડલ એક દિવસ દેશ માટે પ્રાકૃતિક ખેતીનું મોડલ બનશે. દેશના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે, જેનાથી તેમની આવક પણ વધશે.
પ્રાકૃતિક ખેતી માત્ર ખેતી નથી પણ ધરતી માતા, ગૌમાતા અને જીવની સેવા છે: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, પ્રાકૃતિક ખેતી માત્ર ખેતી નથી પણ ધરતી માતા, ગૌમાતા અને જીવની સેવા છે. તેના દ્વારા ખેડૂતોની આવકના નવા સ્ત્રોત ખૂલ્યા છે. દેશમાં પ્રાકૃતિક ખેતીને લઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સૂરતમાં આયોજિત આ કાર્યક્રમમાં તેની ઝલક જોવા મળી રહી છે. થોડા સમય પહેલા દેશમાં પ્રાકૃતિક ખેતીને લઈ એક નેશનલ કોન્કલેવનું આયોજન થયું હતું.
ગુજરાતના 40 હજારથી વધુ ખેડૂતો કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતીઃ મોદી
પીએમ મોદીએ કહ્યું, સુરતમાં દરેક ગ્રામ પંચાતમાં 75 ખેડૂતોની પસંદગી કરવા માટે ગ્રામ સમિતિ, તાલુકા સમિતિ અને જિલ્લા સમિતિ બનાવવામાં આવી છે. આ દરમિયાન ટ્રેનિંગ, પ્રોગ્રામ અને વર્કશોપનું આયોજન કરાયું છે. આટલા ઓછા સમયમાં 550થી વધારે પંચાયતના 40 હજારથી વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા છે.
ભારત સ્વભાવ અને સંસ્કૃતિથી કૃષિ આધારિત દેશઃ મોદી
પ્રધાનમંત્રીએ કહ્યું, પ્રાકૃતિક ખેતી વ્યક્તિગત ખુશાલીનો રસ્તો ખોલે છે, ઉપરાંત सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया ની ભાવનાને પણ સાકાર કરે છે. આપણું જીવન, આપણું સ્વાસ્થ્ય્, આપણો સમાજ તમામના આધારમાં કૃષિ વ્યવસ્થા છે. ભારત સ્વભાવ અને સંસ્કૃતિથી કૃષિ આધારિત દેશ રહ્યો છે. તેથી જેમ જેમ આપણો ખેડૂત આગળ વધશે તેમ ખેતી વધુ સમૃદ્ધ થશે અને આપણા દેશ પણ આગળ વધશે.
પ્રાકૃતિક ખેતી લોકો માટે વધારાની આવકનો સ્ત્રોત છે. કારણકે તેમાં ખેડૂત છાણ માટે ગૌપાલન કરે છે. તેના દ્વારા ખેડૂતોને વધારાની આવક પણ થાય છે. પ્રાકૃતિક ખેતી દ્વારા પર્યાવરણ અને પ્રકૃતિની સેવા અને રક્ષા થાય છે. પીએમ મોદીએ કહ્યું, સુરતમાં પ્રાકૃતિક ખેતી માટે છાણિયું ખાતર બનાવવા 30-40 ગૌશાળા સાથે ટાઈઅપ કરાયું છે. તેનાથી ગૌમાતાની સેવા થશે. પ્રાકૃતિક કેથીમાં રાસાયણિક જંતુનાશકનો ઉપયોગ થતો નથી, તેનાથી લોકો નિરોગી રહે છે અને સારવારનો ખર્ચ બચે છે. આ કારણે પ્રાકૃતિક ખેતી વ્યક્તિગત ખુશહાલીનો રસ્તો છે.