Agriculture News: ગુજરાતમાં આજે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરીને મબલખ નફો કમાઈ રહ્યા છે. પ્રાકૃતિક કૃષિ એટલે તર્કસંગત કૃષિ. પ્રકૃતિના નિયમોને જાણી, પ્રકૃતિને પોતાની રીતે વિકસીત થવામાં મદદરૂપ ખેતી. પ્રાકૃતિક કૃષિમાં પિયત વ્યવસ્થા આવા જ તર્ક અને તારણોથી ગોઠવવામાં આવી છે જેથી સંશાધનોનો બચાવ પણ થાય અને ઉત્પાદન પણ વધે. ગુજરાતનો ખેડૂત હવે આધુનિક બન્યો છે અને સાથે સાથે પ્રાકૃતિક ખેતીનું મહત્વ પણ સમજતો થયો છે. પ્રાકૃતિક ખેતી માટે લીમડો કલ્પવૃક્ષ સમાન છે.


જાણો કેવી રીતે ઉપયોગી છે લીમડો



  • લીમડામાં ઉપદ્રવી જીવાતના વિકાસને અવરોધવાની અસરકારક ક્ષમતા છે.

  • સૌથી શક્તિશાળી વૃદ્ધિ નિયમનકાર અને ખોરાક નિવારણ એઝાડિરેકટીન જંતુઓના નિયંત્રણ માટે મુખ્ય એજન્ટ અને 80 ટકા અસરકારક છે લીમડો.

  • લીમડો જંતુઓને છોડને સ્પર્શતા અટકાવવા માટે કારગર છે.

  • લીમડો મહત્વપૂર્ણ હોર્મોન્સ ઉત્પન્ન કરતાં એઝાડિરેકટીન જંતુઓને રોકીને તેમના જીવન ચક્રને તોડે છે.


ગુજરાતમાં શરૂ થશે પ્રાકૃતિક ખેતીના શિક્ષણનો નવો અધ્યાય


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતમાં દેશી ગાય આધારિત રસાયણ-મુક્ત પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા ખૂબ તત્પર છે. પ્રાકૃતિક ખેતી અંગે યુનિવર્સિટી કક્ષાએ શિક્ષણ તેમજ વૈજ્ઞાનિક સંશોધનને વેગ આપવા માટે સ્નાતક-અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો ઘડવાનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે. જે અંગે બજેટમાં ખાસ જોગવાઈ પણ કરવામાં આવી છે.


ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી અંગે સ્નાતક-અનુસ્નાતક કક્ષના અભ્યાસક્રમો તૈયાર કરવા રાજ્ય સરકારનું આયોજન છે. આ અભ્યાસ તૈયાર કરવા ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક અગ્રીકલ્ચરલ યુનિવર્સિટીમાં આઠ સભ્યોની કમિટી બનાવાશે. પંચમહાલના હાલોલ ખાતે યુનિવર્સિટીનું મુખ્ય મથક સ્થપાશે. પ્રાકૃતિક ખેતી અંગે વૈજ્ઞાનિક સંશોધનને વેગ મળશે અને ખેડૂતોનું નિષ્ણાંતોનું માર્ગદર્શન મળશે.