Potato Natural Farming: ગુજરાતમાં આજે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરીને મબલખ નફો કમાઈ રહ્યા છે. ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા બટાકાની ખેતી માટે રાજ્યમાં પ્રખ્યાત છે. બટાકાના મલબલ ઉત્પાદનના કારણે અહીં કોલ્ડ સ્ટોરેજની સંખ્યા પણ મોટી માત્રામાં છે. બનાસકાંઠાના અનેક ખેડૂતોએ બટાકાના ઉત્પાદન માટે પ્રાકૃતિક ખેતીનો સફળ પ્રયોગ કર્યો છે. ડીસા તાલુકાના જોરાપુરા ગામમાં રહેતા પ્રગતિશીલ ખેડૂત  બાબુજી ઠાકોર બટાકાની પ્રાકૃતિક ખેતી કરે છે.


એકરદીઠ કેટલું થાય છે ઉત્પાદન


બાબુજી ઠાકોર આજે પ્રાકૃતિક ખેતીથી બટાકાનું મબલખ ઉત્પાદન કરે છે અને લાખોમાં કમાણી કરે છે. વર્ષ 2016માં તેમણે બટાકાની પ્રાકૃતિક ખેતી કરવાનું શરૂ કર્યું હતું. શરૂઆતનું વર્ષ હોવાને કારણે અને પ્રાકૃતિક ખેતીનો બહુ અનુભવ ન હોવાને કારણે પ્રાકૃતિક ખેતીમાં બટાકાનું તેમનું ઉત્પાદન રાસાયણિક ખેતીની સરખામણીએ થોડું ઘટી ગયું હતું. પરંતુ, ખૂબ મહેનતને અંતે આખરે તેમને સફળતા મળી અને રાસાયણિક ખેતી હેઠળ મળતા ઉત્પાદન કરતાં પણ વધુ ઉત્પાદન તેમને પ્રાકૃતિક ખેતી હેઠળ મળવા લાગ્યું. આજે બાબુજી ઠાકોર એકરદીઠ 500 થી 600 મણ બટાકાનું ઉત્પાદન મેળવે છે.


દોઢા ભાવે વેચાય છે બટાકા


બાબુજી ઠાકોરના કહેવા પ્રમાણે , ‘પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરવાને કારણે મને મારા બટાકાના ભાવ પ્રમાણમાં ઘણા સારા મળે છે. રાસાયણિક બટાકા કિલોના રૂ.10 ના ભાવે વેચાય છે, જેની સામે હું મારા પ્રાકૃતિક ખેતીના બટાકા કિલોના રૂ.15ના ભાવે વેચું છું. આમ, મને કિલોએ રૂ.5 વધારે મળે છે. વર્ષ 2019-20માં મેં રૂ. 2.60 લાખના બટાકાનું વેચાણ કર્યું હતું.’




રાસાયણિક પદ્ધતિની સામે પ્રાકૃતિક પદ્ધતિથી કેવું થાય છે ઉત્પાદન


પ્રાકૃતિક ખેતી તરફ વળવાને કારણે તેમના ખર્ચમાં થયેલા ઘટાડાની વાત જણાવતા તેઓ કહે છે કે, રાસાયણિક પદ્ધતિથી હું જ્યારે ખેતી કરતો ત્યારે રૂ. 18 થી 20 હજારનો ખર્ચ તો મારે ખાતર લાવવામાં જ થઈ જતો હતો. પણ પ્રાકૃતિક ખેતીમાં આ ખર્ચનો પ્રશ્ન રહેતો જ નથી. ઉપરાંત, પાકમાં રોગચાળો લાગે તો તેના માટે દશપર્ણી અર્ક, નિમાસ્ત્ર જેવી દવાઓનો અમે છંટકાવ કરીએ છીએ અને આ દવાઓ અમે જાતે જ બનાવીએ છીએ. મહત્વની વાત એ છે કે બંને પદ્ધતિથી બટાકાનું ઉત્પાદન એકસરખું જ થાય છે, પરંતુ પ્રાકૃતિક ખેતીમાં બટાકાની ગુણવત્તા ઘણી સારી હોય છે, જેથી ભાવ સારો મળે છે. આમ, ખાતર અને દવાઓનો ખર્ચ ઘટે છે, અને ભાવ વધુ મળે છે, જેના પરિણામે અમને ખેડૂતોને ઘણો આર્થિક ફાયદો થાય છે.


આજુબાજુના ગામના લોકોએ પ્રેરણા લઈ શરૂ કરી પ્રાકૃતિક ખેતી


બાબુજીની બટાકાની સફળ પ્રાકૃતિક ખેતીના પ્રયોગથી પ્રેરાઈને આસપાસના ગામોના અન્ય આઠ-દસ ખેડૂતોએ પણ છેલ્લાં બે વર્ષ દરમિયાન પ્રાકૃતિક ખેતીનો પ્રારંભ કર્યો છે. બાબુજી ઠાકોરના કહેવા પ્રમાણે, આરોગ્યની દ્રષ્ટિએ પણ પ્રાકૃતિક ખેતીના બટાકા ઘણા લાભદાયી હોય છે. તેની મીઠાશ વધુ હોય છે. વધુમાં આ બટાકાની ટકાઉશક્તિ પણ વધારે હોય છે. બટાકા ખરીદ્યા પછી અઢીથી ત્રણ મહિના સુધી બગડતાં નથી અને કોલ્ડસ્ટોરેજમાં સંગ્રહ કરીએ તો એક વર્ષ સુધી બટાકા સારા રહે છે. રાસાયણિક બટાકામાં આ બાબત શક્ય નથી.