Gujarat Politics on Urea Fertilizer:  ગુજરાત સરકારનો રાજ્યમાં યુરિયા ખાતરનો પૂરતો જથ્થો હોવાના દાવા વચ્ચે અનેક જગ્યાએ યુરિયા લેવા ખેડૂતો સવારથી લાઈનો લગાવી રહ્યા છે. જામનગરમાં સતત બીજા દિવસે ખેડૂતોનો યુરિયા ન મળતાં હલ્લાબોલ કર્યુ હતું. યુરિયા ખાતર અને અતિવૃષ્ટિને લઈ ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રી, કૃષિમંત્રીને પત્ર લખ્યો છે.



પત્રમાં લખવામાં આવ્યું છે કે, કૃષિમંત્રી કહે છે કે યુરિયાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે તો યુરિયા કોણ ખાઈ ગયું ?કૃષિમંત્રીએ અભ્યાસ કરીને નિવેદન આપવું જોઈએ. રાજ્યમાં તાત્કાલિક યુરિયા ખાતર ખેડૂતોને પૂરું પાડવામાં આવે. શુ સરકારે કેમિકલ ઉદ્યોગમાં સરકારે યુરિયા ખાતર આપી દીધું છે ?? ઉદ્યોગપતિઓને સરકારે પહેલા સરકારી ખરાબાઓ અને ગૌચર આપ્યા, પછી સસ્તા વ્યાજદરે ઉદ્યોગપતિઓને લોન આપી, હવે કેમિકલ ઉધોગમાં સરકારે યુરિયા આપી દે છે કે શું ???


બીજું શું લખ્યું છે પત્રમાં


પાલભાઈ આંબલિયાએ પત્રમાં લખ્યું છે કે, ગુજરાતમાં બીપોરજોય વાવાઝોડાના કારણે ખેડૂતોને, માછીમારભાઈઓને ખૂબ જ મોટું નુકશાન થયું છે, ત્યારબાદ આવેલા સાર્વત્રિક વરસાદમાં ગુજરાતમાં બધે જ વાવણી ખૂબ જ સારી થઈ હતી પરંતુ ત્યારબાદ આવેલા અતિવૃષ્ટિ સમાન વરસાદે ઠેરઠેર તારાજી સર્જી છે. આ તારાજીમાં ખેડૂતોના કુમળા પાક તો ધોવાઈ જ ગયા છે સાથે સાથે ખેડૂતોના ખેતરો પણ ધોવાઈ ગયા છે. જે પાક ઉભો છે તેને સતત વરસાદના કારણે પાણી ભરાઈ જવાના કારણે પાકને પાણી લાગી ગયું છે તેને બચાવવા યુરિયા ખાતરનો છંટકાવ કરવો ફરજીયાત છે.




રાજ્યના કૃષિમંત્રીએ ત્રણ દિવસ પહેલા જાહેર માધ્યમોને સંબોધતા કહ્યું હતું કે ,રાજ્યમાં યુરિયા ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે. ત્યારે સવાલ એ છે કે જો રાજ્યમાં યુરિયા ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં હોય તો યુરિયા ગયું ક્યાં ?? છેલ્લા 15 દિવસથી તો ખેડૂતો યુરિયા માટે લાઈનમાં ઉભા છે તો આ યુરિયા સરકારે કોને ધાબડી દીધું ??? સરકારે પહેલા ઉદ્યોગકારોને ખૂબ જ કિંમતી સરકારી ખરાબાઓ અને ગૌચરની જમીનો આપી, તેના પર ઉદ્યોગ ઉભો કરવા લોનો આપી અને હવે ખેડૂતોના ભાગનું યુરિયા ખાતર સરકાર કેમિકલ ઉદ્યોગમાં તો આપી દેતી હોય તેવી પુરી શક્યતાઓ છે. જો સરકાર પાસે જથ્થો પૂરતો હોય તો સહકાર ક્ષેત્રની સંસ્થાઓ દ્વારા તાત્કાલિક વિતરણ કરવું જોઈએ અત્યારે યુરિયા ખાતરમાં કાળા બજારીયાઓ ખૂબ કમાય છે. ખેડૂતોને યુરિયા ખાતર સાથે નેનો યુરિયાની બોટલ કે સલ્ફર અથવા નર્મદા ફોર્સ ખાતર લેવાની ફરજ પાડવામાં આવે છે, એવી જ રીતે રાજ્યમાં બીપોરજોય વવાજોડાએ બાગાયતી પાકોને ખૂબ મોટું નુકસાન કર્યા પછી અતિવૃષ્ટિએ ખેડૂતોને ખૂબ મોટું નુકશાન કર્યું છે ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ છે કે રાજ્યમાં તાત્કાલિક યુરિયા ખાતર ખેડૂતોને પૂરું પાડવામાં આવે. કેમિકલ ઉદ્યોગમાં સરકારે યુરિયા ખાતર આપવાનું બંધ કરવું જોઈએ. માછીમાર ભાઈઓને બેઠા કરવા સરકારે 0% વ્યાજે લાંબા ગાળા ની લોન આપવી જોઈએ.
અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારમાં લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ. અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારમાં ખેડૂતોને હેકટરદિઠ 50,000 હજારની સહાય આપવી જોઈએ. સરકાર ઘાસ ચારાના ગોડાઉન માલધારીઓ માટે ખુલ્લા મૂકી દેવા જોઈએ. ઘેડ વિસ્તારમાં સરકારે સર્વે કર્યા વગર જ સહાય જાહેર કરી તાત્કાલિક ચૂકવવી જોઈએ. માલધારીઓના જે પશુઓ તણાઈ ગયા છે તેના PM રિપોર્ટ ન માંગવા જોઈએ.

પાકવીમા યોજના તો સરકારે બંધ કરી છે ત્યારે ખેડૂતોના પાક સામે રક્ષણ મળે તેવી કોઈ યોજના સરકાર પાસે અત્યારે ઉપલબ્ધ નથી ત્યારે સરકાર જ ખેડૂતોને મદદ કરે તેવી રાહ જોઇને પીડિત લોકો બેઠા છે ત્યારે સરકારે સહાય ન આપવી પડે તે માટે દૂધમાંથી પોરા કાઢવાની નીતિ બંધ કરી પીડિત લોકોની વહારે આવવું જોઈએ અને જ્યાં ખેડૂતોને યુરિયા ખાતરની જરૂરિયાત છે તેમને તાત્કાલિક યુરિયા ખાતર પૂરું પાડવું જોઈએ તેવી ગુજરાત કિસાન કોંગ્રેસની લાગણી અને માગણી છે.


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial