PM Modi on Urea:  વડાપ્રધાન મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર  ખાતેથી IFFCO કલોલના નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું ડિજિટલ ઉદ્ધાટન કર્યું,  આ પ્રસંગે  વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશમાં નેનો યુરિયાના આવા 8 નવા પ્લાન્ટ બનાવવામાં આવશે.  કલોલના ઈફ્કો પ્લાન્ટના ડિજિટલ લોન્ચિંગ બાદ પ્રધાનમંત્રીએ સંબોધન કર્યુ હતું.


યુરિયાને લઈ શું બોલ્યા પીએમ મોદી


PM મોદીએ કહ્યું ખાતરોનો બીજો સૌથી મોટો ઉપભોક્તા દેશ અને ખાતરનો ત્રીજો સૌથી મોટો ઉત્પાદક દેશ ભારત છે. 7-8 વર્ષ પહેલા, મોટાભાગના યુરિયા ખાતર ખેતરોના બદલે કાળાબજારમાં પહોંચતા હતા. નવી ટેકનોલોજીના અભાવે યુરિયા ફેક્ટરીઓ બંધ થઈ ગઈ હતી.




વડાપ્રધાન મોદીએ કહ્યું,   ભારત વિદેશમાંથી યુરિયાની આયાત કરે છે, જેમાં યુરિયાની 50 કિલોની થેલીની કિંમત 3,500 રૂપિયા છે. પરંતુ દેશમાં આ જ યુરિયાની થેલી ખેડૂતોને માત્ર રૂ. 300માં આપવામાં આવે છે. આપણી સરકાર યુરિયાની એક થેલી પર રૂ. 3,200નો ભાર સહન કરે છે. અમે તમામ મુશ્કેલીઓનો સામનો કરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ ખેડૂતોને તકલીફ પડવા દીધી નથી. 




ડેરી ક્ષેત્રને લઈ શું કહ્યું પ્રધાનમંત્રી મોદીએ


પીએમ મોદીએ કહ્યું ડેરી ક્ષેત્રના સહકારી મોડેલનું ઉદાહરણ આપણી સમક્ષ છે. આજે ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે જેમાં ગુજરાતનો મોટો હિસ્સો છે. પાછલા વર્ષોમાં, ડેરી ક્ષેત્ર પણ ઝડપથી વધી રહ્યું છે અને ગ્રામીણ અર્થતંત્રમાં પણ વધુ યોગદાન આપી રહ્યું છે. ગુજરાતની 17 લાખ મહિલાઓ પશુપાલન સાથે જોડાયેલી છે. ગુજરાતમાં પણ, દૂધ આધારિત ઉદ્યોગો વ્યાપકપણે ફેલાયેલા હતા કારણ કે તેમાં સરકારના પ્રતિબંધો ઓછા હતા. સરકાર અહીં માત્ર એક સુવિધા આપનારની ભૂમિકા ભજવે છે, બાકીનું કામ તો તમારા જેવી સહકારી સંસ્થાઓ કરે છે, ખેડૂતો કરે છે. અમે સ્વતંત્રતાના અમૃતની ભાવના સાથે સહકારની ભાવનાને જોડવા માટે સતત આગળ વધી રહ્યા છીએ.