Agriculture News: રણપ્રદેશ કચ્છમાં ધગધગતા ઉનાળામાં બનેલા ભૂંગા જે રીતે શીતળતા (દેશી એ.સી.) આપવાનું કામ કરે છે એ રીતે જ રાજકોટમાં યોજાયેલ ગૌ ટેક એક્સ્પોમાં હરિયાણાના કેમેસ્ટ્રીના પ્રોફેસર ડો.શિવદર્શન મલિક દ્વારા નિર્મિત ગોબર આધારિત ઈંટો(ગૌ ક્રીટ), સ્લેબ અને રંગ (પેઇન્ટ) ભર ઉનાળામાં પણ શીતળતા આપવાની ક્ષમતા ધરાવે છે જે ગૌટેક એક્સપોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.


2015માં કરી શરૂઆત


ડો.મલિકે વર્ષ 015માં ગોબર આધારિત ઈંટ અને સ્લેબ બનાવવાની શરૂઆત કરી હતી. આ અંગે તેમના ભાઈ મનોજ દૂત કહે છે કે આ ઈંટ આગમાં બળતી નથી અને પાણીમાં પીગળતી નથી. અનેક લોકોએ આ ઈંટથી ઘર બનાવ્યા છે.


મોટાભાગે ગોબર આધારિત પ્રોડક્ટ્સને લોકો સુગ કે અણગમાની નજરે જોતા હોય છે. પરંતુ રાજકોટમાં યોજાયેલા આ એક્સપોમાં સામેલ થવાથી જાણે કોઈ વર્લ્ડ ક્લાસ એક્સપોમાં આવ્યા હોય તેવી અનુભૂતિ થઈ હતી. આ એક્સ્પોમાં અમને અમારી ગાય આધારિત પ્રોડક્ટસને સરકારી સ્તરે ઉચ્ચકક્ષાનું (માર્કેટિંગ)પ્લેટફોર્મ મળી શકયું છે.


શેમાંથી બનાવવામાં આવે છે ઈંટો


આ ઈંટો અને સ્લેબ ગોબર તથા વિવિધ પ્રકારની માટી સહિતના તત્વોથી બને છે. તેમજ રંગ (પેઇન્ટ) બનાવવા માટે દેશી ગાયનું ગોબર, ગોળ, ચૂનો, એલોવેરા, લાલ માટી વગેરેનો ઉપયોગ થાય છે.


આ ઈંટથી બનેલા મકાનમાં રહે છે કુદરતી ઠંડક


ગોબર આધારિત ગોબ્રિક્સની માંગ આધુનિક કોન્ક્રીટથી બનતા મકાનોના સમયમાં પણ વધી રહી છે, તેનું કારણ એ છે કે આ ઈંટથી બનેલા મકાન પ્રદૂષણ રહીત છે  અને આવા મકાનો ઠંડક વાળા હોય છે. ઘરનું વાતાવરણ શાંત અને ઉર્જાવાન રહે છે.               અમે અમારૂ ખુદનું મકાન પણ આ ગોબર આધારિત ઈંટનું જ બનાવી રહ્યા છીએ. જે દેખાવે સંપૂર્ણ આધુનિક અને આકર્ષક  પરંતુ આપણી જૂની સંસ્કૃતિ વાળું મકાન બનશે.


રાજકોટમાં તાજેતરમાં યોજાયેલા પાંચ દિવસીય ગૌ-ટેક. એકસ્પોમાં સમગ્ર દેશ-વિદેશના ગૌભક્તો, ઉદ્યોગપતિઓ સહીત સામાન્ય લોકોએ ભાગ લીધો હતો. જેમાં ગાય કેન્દ્રિત વિવિધ વિષયો અંગે નિષ્ણાતોએ વ્યાખ્યાનો આપ્યાં હતાં. તેમજ ગાય આધારિત વસ્તુઓનું વેચાણ-સહ-પ્રદર્શન યોજાયું હતું. ગાય આધારિત વસ્તુઓ રોજિંદા ભોજનમાં લેવાથી સ્વાસ્થ્ય ખુબ જ સારું રહે છે. તેમજ પ્રાકૃતિક ખેતી સૌથી વધુ દેશી ગાય આધારિત કરવામાં આવે છે.