Tomato Price Hike: ટામેટાના ભાવ હાલ સાતમા આસમાને છે. રોજેરોજ ટામેટાના ભાવ નવા આંકડાને સ્પર્શી રહ્યા છે. હિમાચલ પ્રદેશના કેટલાક શહેરોમાં ટામેટાંના 22 કિલોના ક્રેટની કિંમત અઢી હજાર રૂપિયા સુધી પહોંચી ગઈ છે. જ્યારે છૂટક બજારમાં ટામેટાંની કિંમત 200 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે.
વરસાદના કારણે મોંઘા થયેલા શાકભાજી સામાન્ય માણસની થાળીમાંથી દૂર જઈ રહ્યા છે. વરસાદના કારણે શાકભાજીના પુરવઠાને માઠી અસર થઈ છે. છેલ્લા એક મહિનાથી ટામેટાંના ભાવમાં વધારો થઈ રહ્યો છે. મોંઘા ટામેટાંએ રસોડાનું બજેટ વધારી દીધું છે. હિમાચલ પ્રદેશના બલ્હ વેલી વિસ્તારમાં ટામેટાંનો 22 કિલોનો કેરેટ 2,500 રૂપિયા સુધી વેચાઈ રહ્યા છે. સાથે જ ઊંચા હાઇબ્રિડ ટામેટા પ્રતિ ક્રેટ બે હજાર રૂપિયાના ભાવે વેચાઈ રહ્યા છે.
ટામેટાંના ભાવ વધવા પાછળનું કારણ પાકને થયેલા નુકસાનને કૃષિ નિષ્ણાતો જણાવી રહ્યા છે. કૃષિ તજજ્ઞો કહે છે કે, ટામેટાંનો 30 ટકાથી વધુ પાક નાશ પામ્યો છે. મોંઘવારીના કારણે લાલ ટામેટાંને લઈને જો કોઈ ખૂબ ખુશ હોય તો તે ખેડૂતો છે. ખેડૂતોનું કહેવું છે કે, પાક નિષ્ફળ જતાં તેમને ભારે નુકસાન થવાની ધારણા હતી, ત્યારે ટામેટાંનો છૂટક ભાવ 20 થી 30 રૂપિયા પ્રતિ કિલો હતો જે હવે વધીને 200 રૂપિયા થઈ ગયો છે. ભાવ વધારાને કારણે ખેડૂતોને નુકસાન તો ભરપાઈ થશે જ, પરંતુ વધારાનો નફો પણ મળશે. ખેડૂતનું કહેવું છે કે, પહેલા કેરેટ વધુમાં વધુ રૂ. 1800 સુધીમાં વેચાતુ હતો, જે હવે રૂ. 2600 સુધી વેચાઇ રહ્યું છે.
હજી મોંઘવારીમાં નહીં મળે રાહત
દલાલોના જણાવ્યા અનુસાર ટામેટાં ઉપરાંત લીલાં મરચાં, આદુ જેવી અનેક શાકભાજીના ભાવ પણ છેલ્લા એક મહિનામાં વધ્યા છે. દર વર્ષે વરસાદમાં શાકભાજીના પુરવઠામાં અછત સર્જાતા ભાવ વધી જાય છે પરંતુ થોડા સમય બાદ સપ્લાય શરૂ થતાં શાકભાજી જૂના ભાવે મળે છે. ટામેટાંનો મોટાભાગનો પુરવઠો મહારાષ્ટ્ર ખાસ કરીને નાગપુરથી આવી રહ્યો છે. ત્યાં ટામેટાં બજારમાં આવતા નથી. હવે થોડા દિવસો સુધી આ સ્થિતિ રહેશે.
ફેંકવામાં આવેલા સડેલા ટામેટા એકત્ર કરી ગ્રાહકોને પધરાવી કમાણી કરી રહ્યા છે. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં કરચામાં ફેંકી દેવામાં આવેલા સડેલા ટામેટાને વીણતો એક શખ્સ નજરે પડી રહ્યો છે.
વીડિયોમાં જોવા મળે છે તેમ સુરત એપીએમસી માર્કેટમાં કચરા પેટીમાં ફેંકવામાં આવેલા ટામેટા ફરીથી કેરેટમાં ભરવામાં આવે છે. ટામેટાના ભાવ આસમાને હોવાથી કેટલાક લોકો સડેલા ટામેટા પણ વેચવાની ફિરાકમાં છે. દ્રશ્યમાં જોય શકાય છે કે એક વ્યક્તિ ટ્રેકટરમાં ફેંકાયેલા કચરામાંથી સડેલા ટામેટા લઈ રહ્યો છે. આ જ ટામેટા માર્કેટની બહાર સસ્તા ભાવે વેચી રહ્યા છે. તેથી જો તમે પણ સસ્તા ટામેટા ખાતા હોવ તો સાવધાન થઈ જાવ. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોની પુષ્ટિ કરતું નથી.