Urea Shortage in Mahisagar: ગુજરાતમાં હાલ શિયાળુ વાવેતર પૂર જોશમાં થઈ રહ્યું છે. ખેડૂતો તેમના પાક વાવી દીધા છે અને હવે તેમને ખાતરની જરૂરિયાત ઉભી થઈ છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે યુરિયા ખાતર લેવા પ્રધામંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર ઉપર  કડકડતી ઠંડીમાં પણ ખેડૂતો ખાતર લેવા માટે વહેલી સવારથી લાઈનમાં  લાગ્યા હતા. જોકે ગાડી આવતાં ખાતર પૂરું થઈ ગયું હતું. જોકે ખેડૂતોએ વહેલી સવારથી આવ્યા હોવા છતાં પૂરતી માત્રામાં ખાતર ન મળતું હોવાનો દાવો કર્યો હતો. યોગ્ય સમયે યુરિયા ખાતર ન મળતાં ખેડૂતોને  શિયાળુ પાક નિષ્ફળ જવાની ભીતિ સતાવી રહી છે. માંગ સામે પૂરતો જથ્થો ન આવતા ખેડૂતોને હાલાકી પડી રહી છે. ખાતર ક્યારે આવશે તે પણ હજી નિશ્ચિત નથી.


અમરેલીમાં કપાસના યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતો સંગ્રહ કરવા થયા મજબૂર


અમરેલીમાં કપાસના યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતો સંગ્રહ કરવા માટે મજબૂર થયા છે. પ્રતિ મણ  1500થી  1600 જેટલો ભાવ મળતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. બિયારણ અને દવાઓના ભારે ખર્ચ બાદ પણ યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતોને નુકસાનીનો ભય છે.


કાલાવાડ એપીએમસી બહાર બે કિલોમીટર લાંબી લાઈન


જામનગરના કાલાવાડમાં વિવિધ પાક ભરેલા વાહનોની લાંબી લાઈન જોવા મળી. APMC બહાર વેચાણ માટે બે કિલોમીટર લાંબી લાઈન લાગી હતી. મગફળી સહિતના પાકોના વેચાણ માટે ખેડૂતો ઉમટ્યાં હતા.


નેનો યુરિયાના શું છે ફાયદા


અવાર નવાર DAP યુરિયા ખાતરની અછત વચ્ચે ખેડૂતો પોતાનો સિઝન પાક સરળતાથી લઈ શકે એ માટે પંચમહાલ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ડ્રોન ટેકનોલોજી દ્વારા ક્લસ્ટર બેઝ નેનો યુરીયા છંટકાવ અભિયાન પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યું છે. ખેડૂતો પણ આ ટેકનોલોજી ફાયદાકારક હોવાનું જણાવીને આવકારી રહ્યા  છે.


ખેડૂત માં જાગૃતિ આવે અને ખેડૂતો વધુમાં વધુ નેનો યુરીયાનો ઉપયોગ તરફ વળે એ માટે પંચમહાલ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા નેનો યુરિયા છટકાવ અભિયાન તેજ કરવામાં આવ્યું છે. જીલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને જેતે વિસ્તારનાં ગ્રામ સેવક સાથે રાખી ખેડૂતોને ડ્રોન ટેક્નોલોજી મદદથી નેનો યુરિયા છટકાંવ વિશે માહિતી પૂરી પાડવામા આવી રહી છે. જે પ્રયાસના ભાગરૂપે ગોધરા તાલુકાના ખેડૂતો દિવેલા, કપાસ, તમાકુ જેવાં પાકોમાં નેનો યુરિયાનો છંટકાવ કરાવી રહ્યા છે. ખેતીવાડી વિભાગના 1500 એકરનાં લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં 150 એકરમાં નેનો યુરિયાનો છંટકાવ કરવામાં આવ્યો, જ્યારે જીલ્લાનાં 163 ખેડૂતોએ નેનો યુરીયા છંટકાવ માટેની અરજી પણ કરી છે.

નેનો યુરિયાનાં ફાયદા વિશે જાણીએ તો બે યુરીયા ખાતરની બેગ બરાબર એક નેનો યુરીયાનો વપરાશ થાય છે. નેનો યુરિયા છંટકાવ માટે એક એકર દીઠ રૂપિયા 850 ખર્ચ થાય છે, જેમાં ખેડૂતે માત્ર 350 રૂપિયા ચૂકવવાનાં રહે છે. એક ખેડૂત વધુમાં વધુ પાંચ એકર ખેતીમાં નનો યુરિયા ખાતરનો છંટકાવ કરાવી શકે છે. ડ્રોન ટેકનોલોજી મદદથી નેનો યુરિયા ખાતરનો છટકાવ સરળતાથી કરી શકાય છે અને યુરિયા બેગની સરખામણીમાં નેનો યુરિયા ખાતરની કિંમત ઓછી હોય છે.