મોદી સરકાર ખેડૂતોની આવક બમણી થાય તે માટે અનેક પ્રકારની યોજના ચલાવે છે. તેમ છતાં હજુ સુધી ધારી સફળતા મળી નથી. યુવાનો ખેતીથી દૂર થઈ રહ્યા છે. યુવાનોને આ ક્ષેત્ર સાથે સાંકળવા પડકાર સાબિત થઈ રહ્યો છે. યુવાનોને કૃષિ ક્ષેત્ર સાથે જોડવા અંગે કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરીએ કહ્યું, જો યુવાનો ટેકનોલોજી સાથે ખેતી કરવા આવશે તો ખૂબ સારી કમાણી કરશે.  2013માં કૃષિ બજેટ 23 હજાર કરોડ રૂપિયા હતું જેને વધારીને મોદી સરકારે 1.32 લાખ કરોડ રૂપિયા કર્યુ છે.


ખેડૂતોની શું છે ચાર સમસ્યા


કૃષિ રાજ્યમંત્રીએ કહ્યું, ખેડૂતોની મુખ્ય ચાર સમસ્યા છે. તેમને ઉત્તમ જાતના બિયારણ મળે, ખર્ચ ઓછો થાય, સંગ્રહની વ્યવસ્થા હોય  અને માર્કેટ મળી રહે તો આવક આરામથી વધશે. હાલ આ ચાર સમસ્યાનો મોટાભાગના ખેડૂતો સામનો કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર આ દિશામાં કામ કરી રહી છે. નકલી બીજથી બચાવવા માટે સરકારે ટ્રેસેબિલિટી કોડ અનિવાર્ય કર્યો છે.


ગુજરાતમાં પશુઓની વિનામૂલ્યે સારવાર કરાવવા પશુપાલકો-ખેડૂતો જાણો આ નંબર


ગામડામાં રહેતા ખેડૂતો ખેતીની સાથે પશુપાલન પણ કરતાં હોય છે. દૂધાળા ઢોર દ્વારા તેઓ વધારાની આજીવિકા રળતા હોય છે. પરંતુ ઘણી વખત તેમનું પ્રાણી બીમાર પડે તો સમયસર સારવાર મળતી હોતી નથી. ઉપરાંત ઘણી વખત પશુ દવાખાનું દૂર હોવાથી માલિકને લઈ જવું પણ પરવડતું નથી હોતું. ગુજરાતમાં પશુઓની સારવાર માટે સરકારે મોટું પગલું લીધું છે.


હાલ પશુઓની સારવાર માટે રાજ્યભરમાં 460 મોબાઈલ પશુ દવાખાના કાર્યરત છે. દર 10 ગામે એક મોબાઈલ પશુ દવાખાનું કાર્યરત કરવાનું સરકારનું લક્ષ્ય છે. ગુજરાતમાં પશુ એમ્બ્યુલન્સનો નંબર 1962 છે.  પશુઓ માટે પશુઆરોગ્ય મેળાઓનું આયોજન કરી પશુપાલકોને ગામબેઠા તેમના પશુઓને મફત સારવાર પણ આપવામાં આવે છે.


કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 દ્વારા રોડ પર કે અન્ય જગ્યાએ અકસ્માતથી ઇજા પામેલ પશુ પક્ષીઓની સારવાર, ઇમરજંસી સારવાર તથા અનાથ અને નિ:સહાય પશુ પક્ષીઓ માટે પશુ ચિકિત્સા સેવાઓ આ એમ્બ્યુલંસ થકી ઉપલબ્ધ કરાવવામાં આવે છે.  અત્યાર સુધીમાં 4500થી વધુ ગામોને આવરી લેવામાં આવ્યા છે. GPS થી સજ્જ વાહનોનું રિયલ ટાઈમ મોનિટરિંગ સીએમ ડેશબોર્ડ દ્વારા થાય છે.