અમદાવાદઃ ધો-12માં ભણતી વિદ્યાર્થિની પર એન્જિનિયર યુવકે ગુજાર્યો બળાત્કાર, જાણો વિગત
અમદાવાદઃ શહેરના સરખેજ વિસ્તારમાં ધોરણ-12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર તેના જ ફ્લેટમાં સાઇટ એન્જિનિયર તરીકે કામ કરતાં યુવકે બળાત્કાર ગુજારતા ચકચાર મચી ગઈ છે. આ અંગે યુવતીની માતાએ યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરતાં હાલ યુવકની ધરપકડ કરવામાં આવી છે.
આ અંગેની વિગતો એવી છે કે, મૂળ કેરળનો એક પરિવાર સરખેજ ખાતે આવેલા ફ્લેટમાં રહે છે. યુવતીને પરિવારમાં માતા-પિતા અને ભાઈ છે. યુવતી ધોરણ-12માં અભ્યાસ કરે છે. અહીં હુસેનઅલી નામનો યુવક સાઇટ એન્જિનિયર તરીકે નોકરી કરે છે. આથી આ પરિવાર અને યુવતી તેને ઓળખતા હતા.
યુવતીએ આ અંગે તેના પરિવારને જાણ કરી હતી. જોકે, યુવકે જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાથી પરિવાર ગભરાઈ ગયો હતો. જોકે, ગઈ કાલે હિંમત કરીને યુવતીની માતાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં આરોપી હુસેનઅલીની ધરપકડ કરવામાં આવી છે.
ગત ચોથી જૂનના રોજ યુવતી ઘરે હતી, ત્યારે હુસેનઅલી યુવીતને લલચાવી-ભોસલાવી દસમા માળે આવેલા 1003 નંબરના ફ્લેટમાં લઈ ગયો હતો અને ત્યાં યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર ગુજાર્યા પછી હુસેનઅલીએ યુવતીને આ અંગે કોઈને વાત કરશે, તો જાનથી મારી નાંખશે, તેવી ધમકી આપી હતી.