કયા કારણે અમદાવાદની જાણીતી રાજપથ ક્લબને રાતોરાત સીલ મારી દેવાયું, જાણો કારણ
ક્લબના મેરેજ હોલમાં લગ્નપ્રસંગ ચાલી રહ્યો હોવાથી મ્યુનિ. દ્વારા તેને સીલ કરાયા ન હતા. પરંતુ તે અંગે પણ તાકીદ કરી હતી. ક્લબના ડાયરેક્ટર્સને ઘટનાની જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા. જોકે, તે પહેલા કોર્પોરેશન દ્વારા રાજપથ ક્લબને સીલ કરી દેવામાં આવ્યું હતું. પોલીસે સમગ્ર કામગીરી અને ક્લબમાં પાર્કિંગની સ્થિતિની વિડીયોગ્રાફી કરી હતી.
આ દરમિયાનમાં સોમવારે હાઈકોર્ટે પાર્કિંગના મુદ્દે પોલીસનો ઊધડો લેતા કોર્પોરેશન અને પોલીસ બંન્ને હરકતમાં આવ્યા હતા. બે ડીસીપી કક્ષાના પોલીસ અધિકારીની હાજરીમાં જંગી પોલીસ કાફલા સાથે વીડિયોગ્રાફી કરી મોડી રાત્રે રાજપથ ક્લબના દરેક રૂમ સીલ કરી દેવામાં આવ્યા હતાં.
અમદાવાદ કોર્પોરેશન દ્વારા અગાઉ રાજપથ ક્લબને ફેબ્રુઆરી મહિનામાં અને જુલાઈ મહિનામાં પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા કરવા સંદર્ભે નોટિસ પાઠવી હતી. જોકે નોટિસમાં કોર્પોરેશન દ્વારા પાર્કિંગ અંગેની જરૂરી વ્યવસ્થા કાયમી ધોરણે ઉપલબ્ધ કરવા માટે તાકીદ કરવામાં આવી હતી. બે નોટિસ આપ્યા બાદ પણ રાજપથ ક્લબ તરફથી કોઈ પ્રત્યુત્તર આપવામાં આવ્યો ન હતો.
રોજ ક્લબમાં અંદાજે 45 હજાર લોકોની અવર-જવર હોય છે તેની સામે અપૂરતુ પાર્કિંગ હોવાના કારણે રોડ પર આડેધડ પાર્કિંગ કરી દેવાતા ટ્રાફિકજામ થતો હતો. અન્ય ક્લબો પર પણ સિલિંગની સંભાવના મ્યુનિસિપાલે વ્યક્ત કરી છે.
અમદાવાદ: પાર્કિંગ મુદ્દે હાઈકોર્ટે ઊધડો લીધાના છ કલાકમાં જ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસે અમદાવાદની જાણીતી રાજપથ ક્બલને સીલ કરી દીધું હતું. 44 વર્ષથી બેરોકટોક ચાલતી ક્લબ પર પહેલી વખત આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે. રાજપથ ક્લબના કુલ 15 હજાર મેમ્બર છે અને પાર્કિંગ માત્ર 600 કારનું છે.