અમદાવાદની 13 વર્ષની મુસ્લિમ છોકરીનો આતંકવાદીઓને પડકારઃ શ્રીનગરના લાલચોકમાં 15 ઓગસ્ટે ફરકાવશે તિરંગો
જો કે, તન્ઝીમની સાથે લુધિયાણાની 15 વર્ષીય જાહન્વી બહેલ પણ લાલચોક ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવશે. જે માટે તેણે વડાપ્રધાન નરેંદ્ર મોદીને પત્ર લખીને મંજૂરી પણ મેળવી છે.
અમદાવાદ: શહેરની 13 વર્ષીય મુસ્લિમ વિદ્યાર્થિની તન્ઝીમ અમીર મેરાણી 15મી ઑગસ્ટના રોજ શ્રીનગરના લાલચોક ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવશે. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતી અને બોપલ વિસ્તારમાં આવેલી તુલીપ સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી તન્ઝીમ દિલ્લી થઈ 14 ઓગસ્ટના રોજ શ્રીનગર પહોંચશે. ત્યારે શ્રીનગર ધ્વજ ફરકાવવા જઈ રહેલી તન્ઝીમનું શહેરના મેયર ગૌતમ શાહે સન્માન કરી, શુભેચ્છા પાઠવી હતી. તન્ઝીમના પિતા ઈંટોના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તન્ઝીમની સાથે તેના માતા-પિતા પણ શ્રીનગર જશે.
તન્ઝીમના પિતાએ જણાવ્યું કે, તેઓ 12મી ઓગસ્ટે અમદાવાદથી નીકળી દિલ્લી પહોંચશે અને ત્યાંથી 14મીના રોજ શ્રીનગર જશે. અને 15મી ઑગસ્ટે જ્યારે દેશનો 70મો સ્વતંત્રતા દિવસ છે, ત્યારે શ્રીનગરના લાલચોક ખાતે તન્ઝીમ ભારતનો ઝંડો ફરકાવશે. ઉલ્લેખનીય છે કે, લાલચોક એ જ સ્થળ છે જ્યાં અલગાવવાદીઓ દ્વારા તિરંગાનું અપમાન કરવામાં આવ્યું હતું.