અમદાવાદમાં થઈ રહ્યું છે હલકી ગુણવત્તાની મીઠાઈનું વેચાણ, જાણો ક્યા વેપારીઓની મીઠાઈ થઈ સબસ્ટાન્ડર્ડ જાહેર
ક્યાંથી મિઠાઈના નમૂના લેવાયાઃ કૃષ્ણ માવા સેન્ટર, આસ્ટોડિયા, કે.કે.માવાવાળા, કાલુપુર, દશરથ માવાવાલા, કાલુપુર, પટેલ માવા સેન્ટર, કાલુપુર, જૈન ડેરી, નવરંગપુરા, મહેતા ચવાણા, ઉસ્માનપુરા, બંસીલાલ પેંડાવાલા, ખમાસા, ચેતના ગાંઠિયા રથ, ગુરૂકુળ રોડ, શ્રીજી ડેરી, મણિનગર, ઉમિયા ડેરી પાર્લર, સેટેલાઇટ, દિપક ડેરી, ઘોડાસર, શ્રી રામદેવ ડેરી, ઇસનપુર, ન્યુ આશાપુરી ચવાણા, હાથીજણ, શ્રીક્રિષ્ના પાર્લર, નવા નિકોલ.
ઉપરાંત હેલ્થ ખાતાએ આજે ગુરૂવારે પણ મીઠાઇનાં નમૂના લેવાની ઝુંબેશ જારી રાખતાં જુદા જુદા વેપારીઓને ત્યાંથી ઢગલાબંધ બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થ મળી આવ્યા હતા. જેને જપ્ત કરી નાશ કરવામાં આવ્યો હતો અને ૧૯ વેપારીઓને નોટિસ ફટકારવા ઉપરાંત ૧૯ હજાર રૂપિયા વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. આજે વધુ ૧૦ વેપારીઓને ત્યાંથી વિવિધ પ્રકારની મીઠાઇનાં નમૂના લેવાયાં હતા.હેલ્થ ઓફિસર ડો.ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે મીઠાઇ-માવાનાં ૧૫૭ જેટલાં નમૂના લઇ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. તેમાંથી એક મિસબ્રાન્ડેડ, પાંચ સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામા આવ્યા છે. જયારે ૫૦ નમૂનાંનાં રિપોર્ટ હજુ આવ્યા નથી.
સોમવારથી નમૂના લેવાની કામગીરીમાં કાલુપુર અને આસ્ટોડિયા વિસ્તારમાં માવાનાં જથ્થાબંધ વેપારીઓને ત્યાંથી નમૂના લેવાયા હતા. આ નમૂનાની ચકાસણી કરીને હેલ્થ ખાતાની પબ્લિક હેલ્થ લેબોરેટરીએ ઝડપભેર તપાસ કરી ચાર નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર કરતાં માવાનાં અને માવો ખરીદી જનાર વેપારીઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.
મીઠાઇ બનાવવામાં મુખ્ય વસ્તુ માવાનો મોટા પાયે ઉપયોગ થતો હોવાથી મોટા વેપારીઓ દિવસો અગાઉ માવો ખરીદીને કોલ્ડ સ્ટોરેજમાં મુકી દેતાં હોય છે. આવો વાસી અને ભેળસેળયુક્ત માવાની મીઠાઇ જાહેર આરોગ્યને હાનિકારક હોવાથી હેલ્થ ખાતાએ સૌપ્રથમ માવાનાં વેપારીઓ ઉપર જ ધોંસ બોલાવી હતી.
દિવાળીનાં તહેવારોમાં ફકત અમદાવાદ શહેરમાં જ મીઠાઇ, ફરસાણ અને બેકરી આઇટમ્સ વગેરેનો કરોડો રૂપિયાનો કારોબાર થાય છે. તહેવારોનો લાભ લઇ કેટલાંય વેપારીઓ હલકી ગુણવત્તાવાળી ચીજવસ્તુઓ વાપરીને મીઠાઇ તથા ફરસાણ બનાવી નાગરિકોને પધરાવી દેતાં હોય છે.
અમદાવાદઃ દિવાળીનાં તહેવારોમાં ભેળસેળયુક્ત અને બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનું ધૂમ વેચાણ થતું હોય છે જે ફરી એક વખત પૂરવાર થયું છે. અમદાવાદમાં વિવિધ પ્રકારની મીઠાઇ બનાવવામાં વપરાતાં માવાનાં ચાર નમૂનાં સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે.