અમદાવાદનો પ્રવાસ પૂરો કરી કેજરીવાલ વડોદરા પહોંચ્યા, કરશે રાત્રી રોકાણ
અગાઉ કેજરીવાલે ઉંઝાના ઉમિયા માતાજીના દર્શન કર્યા હતા. તેમને માતાજીની આરતી પણ ઉતારી હતી. આ દરમિયાન પાટીદારોએ કેજરીવાલનો વિરોધ કર્યો હતો. કેજરીવાલ અમદાવાદ બાદ વડોદરા જવા રવાના થશે, જ્યાં તેઓ રાત્રી રોકાણ કરશે.
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલમાં ગુજરાતના પ્રવાસ પર છે. કેજરીવાલ આજે બપોરે ઉંઝાના ઉમિયા માતાજીના દર્શન બાદ અમદાવાદ પહોંચ્યા હતા. ઘાટલોડિયા પહોંચેલા કેજરીવાલનો પાટીદારોએ વિરોધ નોંધાવ્યો હતો.કેજરીવાલે પાટીદાર અનામત આંદોલન દરમિયાન મૃત્યુ પામનાર પાટીદાર યુવાન નિમેષ પટેલના પરિવારની મુલાકાત લીધી હતી. કેજરીવાલે નિમેષના માતા-પિતા સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ થોડીવારમાં વસ્ત્રાલ ખાતે સિદ્ધાર્થ પટેલના પરિવારજનોને મળશે. કાળા વાવટા ફરકાવી વિરોધ કરનારા પાટીદારોની પોલીસે અટકાયત કરી હતી. નોંધનીય છે કે એક વર્ષ અગાઉ અનામતની માંગણી સાથે શરૂ થયેલા પાટીદાર અનામત આંદોલન બાદ ફાટી નીકળેલા તોફાન દરમિયાન પોલીસ કસ્ટડીમાં બાપુનગરના યુવાન શ્વેતાંગ પટેલનું મૃત્યુ થયું હતું.
વડોદરા: દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વડોદરા પહોંચી ગયા છે. કેજરીવાલ વડોદરામાં આજે રાત્રિ રોકાણ કરશે. કેજરીવાલ પહેલા સુરતમાં રાત્રિ રોકાણ કરવાના હતા..જો કે તે રદ્દ કરી વડોદરામાં રાત્રિ રોકાણ કરશે. કેજરીવાલ વડોદરામાં રાત્રિ રોકાણ કર્યા બાદ આવતીકાલે સવારે 11 વાગ્યે સુરત જશે. અમદાવાદના કાર્યક્રમમાં મોડુ થઈ જતા રાત્રી રોકાણ વડોદરામાં જ કરશે.
આ અગાઉ કેજરીવાલે બુટલેગરોના ત્રાસથી આત્મહત્યા કરનારા કામલી ગામના પોલીસ કોન્સ્ટેબલ નાગજી ઠાકોર પરિવારની મુલાકાત લીધી હતી. ગઈકાલે કેજરીવાલે મહેસાણામાં પાટીદાર અનામત આંદોલનમાં મોતને ભેટેલા પાટીદાર યુવકોના ઘરે જઇને તેમના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. નોંધનીય છે કે ગઇકાલે મહેસાણામાં પાટીદાર અનામત આંદોલન સમિતિએ કેજરીવાલને આવેદનપત્ર આપ્યુ હતું.