ગુજરાતમાં કઈ-કઈ જગ્યા પડ્યો વરસાદ, કઈ તારીખે વિધિવત ચોમાસું બેસવાની સંભાવના, જાણો વિગત
આ સંજોગોમાં ગુજરાતમાં ચાલુ મહિનાના અંત સુધી રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન સામાન્યથી ચારથી પાંચ ડિગ્રી વધુ રહેવાની શક્યતા છે. જ્યારે વરસાદ ખેંચાવાની સ્થિતિમાં સુરતમાં અસહ્ય બફારા જોવા મળ્યો હતો.
હવામાન વિભાગના મતે બંગાળના અખાતમાં ચોમાસાને ખેંચી લાવે એવું એક લો પ્રેશર ગત તા. 10મીએ સર્જાયું હતું અને આ સિસ્ટમ એક જ દિવસમાં બાંગ્લાદેશ પહોંચીને વિખેરાઈ ગઈ હતી. જ્યારે હવે આગામી બે સપ્તાહ સુધી લો પ્રેશર કે ડિપ્રેશન સર્જાવાની શક્યતા ખૂબ ઓછી હોવાનું જણાવાયું છે.
હવામાન વિભાગ દ્વારા જણાવ્યા પ્રમાણે, આગામી તા. 28મી સુધીના વર્તારામાં જણાવાયું છે કે 20મીથી ચોમાસું રિવાઈવ થશે પરંતુ આ સમયમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં સામાન્યથી ઓછો વરસાદ રહેશે. જ્યારે ત્યાર બાદના સપ્તાહમાં વરસાદ શરૂ થાય તો પણ સારા વરસાદની અપેક્ષા ખૂબ ઓછી છે.
આ સાથે જ અમેરિકાના વોશિંગ્ટન સ્થિત ખાનગી વેધર ફોરકાસ્ટ એજન્સી અર્થસેટ દ્વારા પણ હજુ બેથી ત્રણ સપ્તાહ સુધી ચોમાસુ નબળું રહેવાની આગાહી કરવામાં આવી છે. આ સમયમાં હળવા વરસાદી ઝાંપટા સિવાય ભારે વરસાદની કોઈ શક્યતા નથી.
હવામાન વિભાગ દ્વારા જણાવ્યા પ્રમાણે, ચોમાસુ આગામી તારીખ 21મીથી રિવાઈવ થવાની શક્યતા છે અને મધ્ય મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં તે ફરી આગળ વધશે. પરંતુ તા. 22થી 28 દરમિયાનના ગાળામાં પણ ગુજરાતમાં સામાન્યથી ઓછા વરસાદની સ્થિતિમાં કોઈ મોટો સુધારો થવાની શક્યતા નહીં હોવાનું જણાવ્યું હતું.
આ અગાઉ ગઇકાલે રાત્રે ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા ગાંધીનગરના લોકોને વરસાદે રાહત આપી હતી. ગાંધીનગરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પણ પડ્યા હતા. જેના કારણે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
અમદાવાદ: આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. સવારે નવસારીના વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. જ્યાં ધીમીધારે વરસાદ ખાબક્યો હતો. જ્યારે તાપી, દીવ, ગીરસોમનાથ, ગોંડલ, જેતપુર, સુરત, રાજુલા, જાફરાબાદ, વલસાડ, ભાવનગર, નર્મદા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, વેરાવળ, અમરેલી સહિત અનેક સ્થળોએ વરસાદ વરસ્યો હતો.