રેશમા પટેલે ભાજપ સરકાર સામે પાટીદારોના ક્યા મુદ્દે બાંયો ચડાવી ? રૂપાણીને શું કહ્યું ?
એક વર્ષમાં તમામ શહીદના પરિવારજનોને નોકરી મળવાની પ્રક્રિયા સમાપ્ત થઈ જવી જોઈતી હતી. આ પ્રક્રિયા જલ્દીથી પૂરી કરવામાં આવે અને શહીદ પરિવારજનોને નોકરી મળે તેવી ફરી વાર હું સરકારને દરખાસ્ત કરું છું.
મને જ્યારે પણ મોકો મળ્યો ત્યારે મેં રજૂઆત કરી છે પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે માત્ર એક જ ઘાયલ પરિવારજનના નોકરી મળી છે. શહીદના પરિવારજનને નોકરી મળી નથી, શહીદના પરિવારજનોને નોકરી આપવા માટે એક વર્ષ ઘણો સમય કહેવાય.
રેશમા પટેલે સોશિયલ મીડિયા પર લખ્યું કે, 21 ઓક્ટોબર 2017ના દિવસે ભાજપમાં જોડાયા હતા. આજે એક વર્ષ થઈ ગયું તેથી અમે સરકારને યાદ અપાવવા માંગીએ છીએ કે સમાજની કેટલીક માંગો પૂર્ણ કરવાની શરતો પર જ અમે બીજેપીમાં જોડાયા હતા. તેમાંથી એક મહત્વની માંગ શહીદોના પરિવારને નોકરીની પણ હતી. આ માંગ હજુ સુધી પૂરી થઈ નથી. આ અંગે હું મારી ફરજ સમજીને સરકાર સામે મારો પક્ષ રાખું છું અને માંગને સમાજહિતમાં પૂરી કરવાની અરજી કરી છું.
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ પાસમાં એક સમયે હાર્દિક પટેલની નજીક મનાતા રેશમા પટેલ 21 ઓક્ટોબર,2017ના રોજ ભાજપમાં જોડાઈ ગયા હતા. જે બાદ તેઓ ભાજપના અનેક કાર્યક્રમોમાં હાજર રહ્યા હતા, પરંતુ ભાજપમાં સામેલ થયાના એક વર્ષ બાદ તેમના સુર બદલાઈ ગયા હોવાનું લાગી રહ્યું છે. આ અંગે તેમણે સોશિયલ મીડિયા થકી સરકારને રજૂઆત કરી છે. જેમાં શહીદો (અનામત આંદોલન વખતે માર્યા ગયેલા પાટીદારો)ના પરિવારજનોને નોકરી આપવાની માંગ કરી છે.