ગુજરાત ભાજપના ક્યા ધારાસભ્યને રેતી ચોરીમાં થયો 80 લાખનો દંડ? કઈ રીતે કરતા હતા ચોરી? જાણો વિગત
હવે આ રેતીચોરી પ્રકરણ પર ઠંડુ પાણી રેડી દેવા રાજકીય પ્રયાસો થઇ રહ્યાં છે. ભાજપના ધારાસભ્યને કરાયેલાં દંડની માફી થાય અથવા તો દંડ ઓછો થાય તે માટે ગાંધીનગર સુધી દોડધામ ચાલી રહી છે.
અમદાવાદઃ ભાજપના ધારાસભ્ય પ્રવિણ ગોઘારી રેતીચોરી પ્રકરણમાં સપડાયા છે. ખનિજ વિભાગે ધારાસભ્યને રેતીના ચોરીના મામલે 80.52 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. અમદાવાદમાં સાબરમતી નદીના તટમાં ખનિજ વિભાગે રેડ પાડી સપાટો બોલાવ્યો હતો. ૮મી ઓગષ્ટે ખનિજ વિભાગના અધિકારીઓએ નવાપુર ગામમાં રેડ પાડી હતી. અહીં સુરતના કારંજના ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીએ નવાપુરામાં સર્વે નંબર ૩૦૩માં ૨ લાખ હેક્ટરમાં રેતીની લીઝ રાખી છે.
આ કારણોસર ખનિજ વિભાગે ભાજપના ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીને ૮૦.૫૨ લાખ રૂપિયા દંડ ફટકાર્યો હતો જયારે ધારાસભ્યની બાજુના બ્લોકમાં ગેરકાયદેસર રીતે રેતીની ચોરી થતી હોવાથી તે લીઝના માલિકને ય ખનિજ વિભાગે 1.36 કરોડનો દંડ ફટકાર્યો હતો. જોકે આ મામલે હજુ સુધી ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીએ ખનિજ વિભાગની ઓફિસમાં કોઇ પ્રત્યુતર આપ્યો નથી.
ધારાસભ્યના બ્લોકમાંથી ૩૩.૯૬૬ ટન રેતીની રોયલ્ટી ભર્યા વિના લઇ જવાતી હતી. આ મામલે ખનિજ વિભાગે ખોદકામ કરવાનુ હ્નુન્ડાઇ મશીન જપ્ત કરીને રેતીચોરીનો કેસ કર્યો હતો. વાસ્તવમાં નિયમ એવો છે કે,જે લીઝ લીધી હોય તેની બાજુમાં પરવાના વિના ચોરી થતી હોય તો ખનિજ વિભાગને જાણ કરવાની હોય છે. ધારાસભ્યના બ્લોકની બાજુમાં ય ગેરકાયદેસર રીતે ચોરી થઇ હતી.