અમદાવાદઃ અકસ્માતમાં યુવતીનું મોત થતાં લોકોએ રિક્ષા ચાલકને ફટકાર્યો, બે બૂટલેગર મહિલા ભાગી
અમદાવાદઃ આજે સવારે વિજયનગર પેટ્રોલપંપ પાસે દેશી દારૂ ભરેલી રિક્ષા અને એક્ટિવા વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો. જેમાં કોલેજે જતી 19 વર્ષીય હિમાની પ્રશાંતભાઈ કોઠારીનું મોત થયું હતું. હિમાની ગાંધીનગરની LDRP કોલેજમાં અભ્યાસ કરે છે. આ અકસ્માત થતાં થોડીવારમાં જ લોકો દોડી આવ્યા હતા. અકસ્માત સર્જાતા લોકો રોષે ભરાયા હતા અને રિક્ષા ચાલકને ફટકાર્યો હતો. બીજી તરફ આ અકસ્માત સમયે રિક્ષામાં બેઠેલી બે મહિલા બૂટલેગર ભાગી ગઈ હતી.
લોકોએ આ અકસ્માત અંગે જાણ કરતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને રિક્ષા ચાલકની ધરપકડ કરી હતી. બીજી તરફ રિક્ષામાં તપાસ કરતાં આ રિક્ષામાંથી દેશી દારૂ મળી આવ્યો હતો. આ અંગે તપાસ કરતાં આ દારૂ જમાલપુર ખાતે આવેલા કાંટોડિયાવાસ લઈ જવાતો હતો.
બૂટલેગર કામિનીબેન અને દામુબેન કાંટોડિયાવાસમાં દારૂનો ધંધો કરે છે. તેઓ આંતરે દિવસે કલોલથી દારૂ લાવે છે. દરમિયાન આજે સવારે તેઓ દારૂ લઈને પરત ફરી રહ્યા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ અંગે એવી પણ વિગતો મળી છે કે, આ બૂટલેગરો ચાર વાગ્યે દારૂ લેવા જતા હતા અને સાત વાગ્યા સુધીમાં દારૂ લઈને પરત આવી જતા હતા.