ગુજરાત કોંગ્રેસના આ ધારાસભ્યે પોલીસને ફોન કરીને જાહેરમાં જુગાર રમતા પોતાના સગા ભાઈને પકડાવી દીધો, પોલીસને શું આપી સૂચના?
અમદાવાદ: સામાન્ય રીતે રાજકારણીઓ ગેરકાયદેસર કામ કરતા પોતાનાં સગાંને છાવરતા હોય છે ત્યારે જમાલપુરના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પોતાના સગા ભાઇ ફિરોઝ ખેડાવાલાને જુગાર રમતો પકડાવી દીધો હતો. ફિરોઝની સાથે તેના ચાર મિત્રોને પણ પોલીસે પકડી લીધા છે.
ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પીઆઈ વી.જી.રાઠોડે જણાવ્યું હતું કે, ફિરોઝ ખેડાવાલા અને તેના મિત્રો જાહેરમાં જુગાર રમી રહ્યા હોવાની માહિતી પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા મળી હતી. જેના આધારે ડી-સ્ટાફના માણસો ત્યાં પહોંચ્યા હતા અને ફિરોઝ અને તેના 5 મિત્રોને જુગાર રમતા ઝડપી લીધા હતા.
ફિરોઝ તેમજ તેના મિત્રો સામે કાયદેસરની કાર્યવાહી કરી તેમની સાથે અન્ય માણસોની જેવો જ વ્યવહાર કરવા જણાવ્યું હતું. મહત્ત્વની વાત એ છે કે, ગાયકવાડ હવેલી પોલીસે પણ ફિરોઝ અને તેના મિત્રોને ઘણા કલાકો સુધી લોકઅપમાં જ રાખ્યા હતા. જો કે આ કેસ જામીન પાત્ર હોવાથી બાદમાં પાંચેય જામીન પર છૂટી ગયા હતા.
પોલીસે ફિરોઝ ખેડાવાલા ઉપરાંત યુસુફભાઇ ફકીરભાઇ, મોહંમદ ઈસ્માઈલભાઇ, ઈરફાન મનસુરી તથા હુસેન મિયાં પલટનીની ધરપકડ કરી હતી. ઈમરાન ખેડાવાલાએ કહ્યું કે, ફિરોઝ અને તેના મિત્રો જાહેરમાં જુગાર રમતા હતા. મેં તેમને ના પાડી હતી પણ તેઓ ના માનતાં મેં રવિવારે પોલીસને ફોન કરીને તેમને પકડાવી દીધા હતા.
રવિવારે સાંજે ફિરોઝ 5 મિત્રો સાથે જમાલપુર ખાંડની શેરીના નાકે જાહેરમાં પૈસાનો જુગાર રમી રહ્યો હતો. છેલ્લા પાંચ દિવસથી ફિરોઝ મિત્રો સાથે જુગાર રમતો હતો અને ઈમરાને તેને ના પાડી હતી. એ છતાં તે નહીં માનતાં ઈમરાને પોલીસને ફોન કરીને પોતાના સગા ભાઈ સામે ફરિયાદ કરી હતી.
આ અંગે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે પાંચેય વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી હતી. પીઆઈ વી.જી. રાઠોડે જણાવ્યું કે, ઈમરાન ખેડાવાલાએ જ પોતાના ભાઈ ફિરોઝને જુગાર રમતો પકડાવ્યો હતો, તેમજ ગાયકવાડ હલેવી પોલીસને કહ્યું હતું કે, મારી કે બીજા કોઇની શરમ ભરતા નહીં.