કોંગ્રેસે ક્યા આઠ ધારાસભ્યોને પક્ષમાંથી મારીને તગેડી મૂક્યા, આ ધારાસભ્યોની રાજકીય કારકિર્દી કેમ થઈ શકે છે ખતમ ?

કોંગ્રેસે રાજયસભાની ચૂંટણી પૂર્ણ થતાંની સાથે જ શિક્ષાત્મક કાર્યવાહીનો સપાટો બોલાવી એ સ્પષ્ટ સંદેશો આપી દીધો હતો કે, પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનાર કોઇને પણ સાંખી લેવાશે નહી. રાજયસભાની ત્રણ બેઠકો માટેની યોજાયેલી પ્રતિષ્ઠિત ચૂંટણીમાં એહમદ પટેલ બાહુબલી સાબિત થઇ વિજયી બન્યા હતા.
કોંગ્રેસની આ શિક્ષાત્મક કાર્યવાહીને પક્ષના વફાદાર અને છેક સુધી સાથે રહેલા ધારાસભ્યોએ બિલકુલ યોગ્ય અને યથાર્થ ગણાવી હતી. વફાદાર ધારાસભ્યોએ રોષ ઠાલવ્યો હતો કે, પક્ષ સાથે ગદ્દારી કરનારા આવા ધારાસભ્યોના કારણે પક્ષની ઇમેજ ખરડાઇ છે અને જનતામાં ખોટો સંદેશો ગયો છે, તેથી આ શિક્ષાત્મક કાર્યવાહી યોગ્ય જ છે.
શંકરસિંહ વાઘેલા પોતે અને તેમના સમર્થક સાત ધારાસભ્યોએ રાજયસભાની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં કોંગ્રેસપક્ષના વ્હીપનો અનાદર કરી તેમના ઉમેદવાર એહમદ પટેલને મત આપવાને બદલે તેમના મતો ભાજપના ઉમેદવારોને આપ્યા હતા. જેને પગલે કોંગ્રેસના એહમદ પટેલને જીત મેળવવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
કોંગ્રેસની માગણી સ્વીકારાશે તો આ આઠ ધારાસભ્યો પૈકી મોટા ભાગના ધારાસભ્યોની રાજકીય કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકાઈ જશે. શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડયા બાદ છ ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામા આપી દીધા હતાં. આ છ જણા ધારાસભ્ય નથી તેથી તેમના માટે ભાજપમાંથી ટિકીટ મેળવવાનો વિકલ્પ ખુલ્લો છે.
ચૂંટણી પંચ કોંગ્રેસની માગણી સ્વીકારે તો કોંગ્રેસ દ્વારા બરતરફ કરાયેલા બળવાખોર ધારાસભ્યો શંકરસિંહ વાઘેલા, તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા, રાઘવજી પટેલ, ભોળાભાઇ ગોહિલ, સી.કે.રાઉલજી, અમિત ચૌધરી, કરમશી પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા જનપ્રતિનિધી એક્ટ હેઠળ છ વર્ષ સુધી કોઈ પણ ચૂંટણી નહીં લડી શકે.
રાજ્યસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ કોંગ્રેસે આક્રમક મિજાજનો પરિચય કરાવી બળવાખોર ધારાસભ્યો સામે શિક્ષાત્મક પગલાં લઇ સપાટો બોલાવ્યો છે. બીજી બાજુ, કોંગ્રેસ પક્ષે હવે આ બાગી આઠ ધારાસભ્યો બીજા કોઇ પક્ષમાંથી પણ ચૂંટણી લડી ના શકે તે માટે જનપ્રતિનિધિ એકટ હેઠળની જરૃરી કાર્યવાહી હાથ ધરવાની તજવીજ કરી છે.
અમદાવાદઃ કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટીંગ કરનારા અને પક્ષના વ્હીપનો અનાદર કરનાર પોતાના આઠ બળવાખોર ધારાસભ્યોને છ વર્ષ માટે બરતરફ કરી દીધા છે. કોંગ્રેસ પક્ષ દ્વારા પક્ષ સાથે ગદ્દારી કરનાર ધારાસભ્યોને આ શિક્ષાત્મક સજા ફટકારાતાં ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ચકચાર મચી છે.