હાઈકમાન્ડને પૂછ્યા વિના ભાજપના ક્યા નેતાએ વિરમગામમાં ડૉ.તેજશ્રીબેન પટેલને ઉમેદવાર જાહેર કરી દીધાં ?
અમદાવાદઃ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડમાં હજુ તો ઉમેદવારોની પેનલોને આખરી ઓપ અપાયો નથી ત્યાં અમદાવાદ જિલ્લાના વિરમગામ બેઠક પર કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલાં ડૉ.તેજશ્રીબેન પટેલને ભાજપની ટિકીટ આપી દેવાયાંની જાહેરાત ભાજપના જ એક ટોચના નેતાએ કરી નાખતાં ભાજપમાં ભડકો થઈ ગયો છે.
ડૉ.તેજશ્રીબેન પટેલના સમર્થકોએ ફેસબુક પર ઉમેદવાર જાહેર કરી દેતાં અભિનંદન આપવાનુ શરૂ કરી દીધું છે ત્યારે વિરોધીઓએ પેરાશુટ ઉમેદવાર ગણાવીને હરાવવાની ચિમકીઓ આપવા માંડી છે. ડૉ.તેજશ્રીબેન પટેલને ટિકીટ આપવાની ભાજપની ઉતાવળ ભાજપને જ ભારે પડશે તેમ દાવેદારોએ ચિમકી આપી દીધી છે.
ભાજપના ઘણાં દાવેદારો ટિકીટ મેળવવાની લાઇનમાં છે ત્યારે બે દિવસ પહેલાં ભાજપના મહામંત્રી કે.સી.પટેલના અધ્યક્ષસ્થાને દાવેદારોની બેઠક મળી હતી જેમાં તેમણે એવી જાહેરાત કરી દીધી કે,તેજશ્રીબેન પટેલ વિરમગામ બેઠક પર ભાજપના ઉમેદવાર છે. આ સાંભળીને દાવેદારો પણ અચંબામાં મૂકાઇ ગયાં હતાં.
વિરમગામ બેઠક પર કુલ પંદરેક દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. છેલ્લી ચૂંટણીમાં આ બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી અને ડૉ.તેજશ્રીબેન પટેલ જીત્યાં હતાં. જો કે રાજ્યસભાની ચૂંટણી વખતે ડૉ.તેજશ્રીબેન પટેલે કેસરિયો ખેસ ધારણ કરી ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો.
ભાજપે હદુ ઉમેદવારો નક્કી કર્યા નતી ત્યાં ભાજપના મહામંત્રી કે.સી. પટેલે આ ઘોષણા કરી દેતાં ભાજપમાં આક્રોશ વ્યાપ્યો છે. કે.સી. પટેલે દાવેદારો સાથેની બેઠકમાં ડૉ.તેજશ્રીબેન પટેલને બારોબાર જ ઉમેદવાર જાહેર કરી દેતાં સ્થાનિક ભાજપના નેતાઓ રોષે ભરાયાં છે.