ગુજરાતમાં ભાજપ કોંગ્રેસના ક્યા દિગ્ગજ ઠાકોર નેતાને ખેંચીને લોકસભાની ચૂંટણી લડાવશે તેવી ચાલી રહી છે વાતો ? જાણો વિગત
અલ્પેશને ગુજરાતના રાજકારણનું મેદાન નાનું પણ લાગી રહ્યું છે તેથી તેમણે કેન્દ્રીય નેતાગીરી તરફ નજર માંડી છે. ચર્ચાતી વિગતો મુજબ કુંવરજી બાવળિયાના પ્રકરણમાં બન્યું એ રીતે ભાજપ અલ્પેશ ઠાકોરને પણ મોટો ફાયદો કરાવીને પોતાની તરફ ખેંચી લેશે.
અલ્પેશ ઠાકોરે ધારાસભ્યોના પગાર વધારાના મુદ્દે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોની ઝાટકણી કાઢી પછી આ ચર્ચાએ વેગ પકડ્યો છે. અલ્પેશે 15 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ઠાકોર સમાજને થતા અન્યાયના મુદ્દે ઉગ્ર આંદોલનની જાહેરાત કરી હતી પણ આ આંદોલન શરૂ થયું નથી તેથી અલ્પેશ ભાજપ તરફ કૂણા પડ્યાનું મનાય છે.
ભાજપ સાથે અંદરખાને થયેલી સમજૂતી પ્રમાણે થોડાક દિવસોમાં ભાજપ ઠાકોર સમાજ માટે મોટી જાહેરાત કરે અને તેને અનુલક્ષીને અલ્પેશ ભાજપમાં જોડાઈ જાશે તેવી વાતો ચાલી રહી છે. ભાજપ પાટણના સાંસદ લીલાધર વાઘેલાના બ્લેકમેઈલિંગથી ત્રાસેલો છે તેથી તેને પણ નવો ચહેરો જોઈએ છે.
અલ્પેશ ઠાકોર છેલ્લા થોડા સમયથી કોંગ્રેસથી નારાજ હોવાનું મનાય છે. તેમના છેલ્લા થોડા સમયનાં નિવેદનો અને ચર્ચામાં રાજકીય વિશ્લેષકોને કોંગ્રેસ વિરોધી સૂર સંભળાઇ રહયા છે ત્યારે એવી ચર્ચાએ પણ જોર પકડયું છે કે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ જશે.
અમદાવાદઃ આગામી લોકસભા ચૂંટણીના કારણે ગુજરાતમાં નવાં રાજકીય સમીકરણો રચાવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ભાજપ મોટો શિકાર કરીને અલ્પેશ ઠાકોરને ખેંચી લાવે તેવી શક્યતા છે. અલ્પેશ ઠાકોર હમણાં રાધનપુરથી ધારાસભ્ય છે. ભાજપ તેમને ખેંચીને પાટણ લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતારશે તેવી વાતો વહેતી થઈ છે.