કોંગ્રેસમાંથી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો માટે કોણે કરી દાવેદારી ? જીગ્નેશ મેવાણીને ક્યાંથી મળી શકે ટિકિટ ? જાણો વિગત
જુનાગઢ લોકસભા બેઠક માટે ધારાસભ્યો પુંજાભાઇ વંશ, હર્ષદ રીબડીયા અથવા અન્ય કોળી નેતાને તક આપવા રજૂઆત કરાઈ છે. પોરબંદર લોકસભા બેઠક માટે ધારાસભ્ય લલિત વસોયા તેમજ વિનું અમીપરાએ દાવેદારી નોંધાવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં કોંગ્રેસ મહત્તમ બેઠકો જીતવાની આશા રાખે છે.
જામનગર લોકસભા બેઠક માટે ધારાસભ્ય અને પૂર્વ સાંસદ વિક્રમ માડમ, હેમંત ખવા, મેરામણ ગોરીયાએ દાવેદારી કરી છે. અમરેલી લોકસભા પર કોંગ્રેસ મહિલા ઉમેદવારને તક આપે તેવી શક્યતા છે. ધારાસભ્ય વીરજી ઠુમ્મરનાં દીકરી જેનીબેન ઠુમ્મર અને કોકીલાબેન કાકડીયાએ દાવેદારી કરી છે.
કચ્છ લોકસભા પર નરેશ મહેશ્વરી અને મનિષ ચાવડાએ દાવેદારી નોંધાવી છે . આ ઉપરાંત વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ આ બેઠક માટે પ્રયાસ કરી રહયા છે. આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાય તો કોંગ્રેસની નેતાગીરી તેને આ બેઠક આપવા તૈયાર છે.
અમદાવાદઃ કોંગ્રેસના પ્રદેશ નેતાઓએ ગુજરાતના પ્રભારી રાજીવ સાતવના અધ્યક્ષસ્થાને 3 દિવસ લગી બેઠકોનો દૌર ચલાવ્યો. આ બેઠકોમાં લોકસભાની આગામી ચૂંટણીને અનુલક્ષીને સમીક્ષા કરવામાં આવી. આ સમીક્ષા બેઠકમાં 25 લોકસભા બેઠકો માટે ચર્ચા થઈ હતી અને વડોદરા બેઠકને છોડી દેવામાં આવલી હતી.
સૌરાષ્ટ્ર-કચ્છમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે સાનદાર દેખાવ કર્યો હોવાથી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો માટે મોટા પ્રમાણમાં રજૂઆતો થઈ હતી. આ પૈકી સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ધારાસભ્ય અને પૂર્વ સાંસદ સોમાભાઇ ગાંડાભાઈ પટેલનું નામ નિશ્ચિત મનાય છે. સોમાભાઈ તૈયાર ના થાય તો અન્ય કોળી નેતાને ટિકિટ મળશે.