પ્રેસ કોન્ફરન્સમાં હોબાળા બાદ અમિત ચાવડાનો તઘલખી નિર્ણય, કાર્યકરો અને મીડિયા પર કાર્યાલયના પ્રવેશ પર પ્રતિબંધ
પ્રદેશ પ્રમુખ અને નેતા વિપક્ષની તકરારના લીધે સંગઠન પર સવાલ ઉઠી રહ્યા છે. 2 મહિના કરતા વધુ સમય થયો હોવા છતાં સંગઠનની નિમણુક થઇ શકી નથી. પ્રદેશ પ્રમુખના નિર્ણયથી કાર્યકરોમાં પણ કચવાટ જોવા મળી રહયો છે. એવા સમયે પ્રદેશ પ્રમુખના આ નિર્ણયથી સંગઠન કે કાર્યકરોને શું લાભ થશે તે મોટો સવાલ છે.
ગાંધીનગરઃ ગુજરાત પ્રદેશ કોગ્રેસમાં વિવાદ શમવાનું નામ નથી લઇ રહ્યો. અમદાવાદ ખાતે કોગ્રેસના કાર્યાલયમાં યોજાયેલી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની પ્રેસ કોન્ફરન્સમાં કોગ્રેસના જ કાર્યકરો દ્ધારા તોડફોડ કરવાની ઘટના બાદ અમિત ચાવડાએ કાર્યકરો અને મીડિયા પર અનેક નિયંત્રણો લગાવ્યા છે.
અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સમાં થયેલા હોબાળા બાદ મીડિયા અને કોગ્રેસના કાર્યકરો પર કાર્યાલયમાં પ્રવેશવા પર કેટલાક નિયંત્રણો મુક્યા છે. ચાવડાની પ્રેસ કોન્ફરન્સમાં ખૂબ હોબાળો થયો હતો અને તમામ ટીવી ચેનલોએ આ ઘટનાનું લાઇવ કરી હતી પરિણામે મીડિયા પર પણ નિયંત્રણ લાદી દેવામાં આવ્યું છે. સમગ્ર ઘટનામાં પ્રમુખની ટીમની કામગીરી નબળી રહી હતી ત્યારે પોતાની ટીમ પર પગલાં લેવાના બદલે પ્રમુખે કાર્યકરો અને મીડિયા પર નિયંત્રણ લગાવ્યું છે. જેને લઈને સવાલો ઉઠી રહ્યા છે.