હાર્દિકના લોકડાયરાનું સ્થળ સીલ કરાયું, હાર્દિકને દબાવવા ઉદયપુર પોલીસે કરી બીજી શું આડોડાઈ ? જાણો
ઉદયપુરના ડાયરામાં ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ભાગ લે તેવી શક્યતા હતી. હાર્દિક રતનપુર બોર્ડરથી ગુજરાતમાં પ્રવેશે ત્યારે આ લોકો હાર્દિક સાથે આવે અને ગુજરાતમાં હાર્દિક પટેલના આગમન પ્રસંગે મોટી સંખ્યામાં લોકોને ખડકવાની યોજના હતી પણ પોલીસે તે યોજનાને નિષ્ફળ બનાવવા કમર કસી છે.
હાર્દિક પટેલે આ પગલાં સામે આક્રોશ ઠાલવી કહ્યું છે કે, ઉદયપુર પોલીસ પ્રશાસન દ્વારા ઉદયપુર પાટીદાર સમાજને દબાવવાના પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉદયપુરની પોલીસ કહે છે કે જમવાની પણ મંજૂરી લેવી પડશે. આ સંજોગોમાં રાજસ્થાન બોર્ડર પર પાટીદાર એકતા બતાવવા હાકલ છે.
હાર્દિકના સમર્થકો કોઈ પણ સંજોગોમાં લોકડાયરો યોજવાના મતના છે પણ હાર્દિક છેલ્લા દિવસે મગજમારી ઉભી થાય તેવું નથી ઈચ્છતો તેથી તેણે કાર્યક્રમ સ્થગિત કરવાની જાહેરાત કરી છે. હાર્દિકે પોતે ગુજરાતમાં પ્રવેશે ત્યારે પાટીદારોને પોતાની તાકાત બતાવવા માટે હાકલ કરી છે.
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલનું 17 જાન્યુઆરીએ ગુજરાતમાં આગમન થવાનું છે. હાર્દિક પટેલને આવકારવા માટે ગુજરાતમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે બીજી તરફ ઉદયપુરમાં હાર્દિકના સમર્થકો અને પોલીસ સામસામે આવી ગયાં છે.
બીજી તરફ હાર્દિક દ્વારા મોટા પાયે ભોજન સમારોહનું પણ આયોજન કરાયું હતું પણ ઉદયપુર પોલીસે તેની સામે પણ વાંધા કાઢ્યા છે. ઉદયપુર પોલીસે હાર્દિકને કહ્યું છે કે, ભોજન સમારોહની પણ મંજૂરી લેવી પડશે. આમ, હાર્દિક ઉદયપુરમાં છેલ્લા દિવસે કોઈ કાર્યક્રમ ના કરી શકે તેવો તખ્તો ઘડી દેવાયો છે.
ઉદયપુરમાં ઉદય વાટિકા ખાતે આજે રાત્રે 10 કલાકે આ ડાયરો થવાનો હતો. આ લોકડાયરામાં જે નાનું મોટું દાન ભેગું થશે તે અલ્પાબેન પટેલના હાથે જ શ્રી ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અર્પણ કરવાની જાહેરાત કરાઈ હતી પણ ભાજપ સરકારે લોકડાયરાના સ્થળને જ સીલ કરી દેતાં ડાયરો સ્થગિત કરવો પડ્યો છે.
ઉદયપુરમાં હાર્દિકને ભવ્ય વિદાય આપવા જોરદાર તૈયારીઓ થઈ રહી છે અને આજે રાત્રે ભવ્ય ડાયરાનું આયોજન કરાયું હતું પણ પાટીદાર લોક ડાયરાના સ્થળ ને ઉદયપુર નગરપાલિકા દ્વારા સીલ કરી દેવામાં આવ્યું છે. આ ડાયરામાં જાણીતાં લોકગાયક અલ્પા પટેલ રમઝટ બોલાવવાનાં હતાં.