હાર્દિક પટેલે કોંગ્રેસ સામે મૂકી છે કઈ ત્રણ શરતો? જાણો વિગત
અમદાવાદઃ પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સામે પાટીદાર સમાજની અનેક શરતો મૂકી હોવાનું જાણવા મળ્યું છે. પ્રથમ શરત પાટીદાર અનામત, બીજી શરત વિજય થવા પર સરકારમાં ભાગીદારી અને ત્રીજી શરત રાષ્ટ્રદ્રોહના કેસ સાથે જોડાયેલી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હાર્દિક પટેલ ખુલ્લેઆમ કોંગ્રેસનું સમર્થન કરી શકે તેમ નથી. કારણ કે હાર્દિકનો પુરો સમાજ અત્યારે ભલે ભાજપ સાથે ન હોય પરંતુ તે કોંગ્રેસ સાથે પણ નથી. પાટીદારોમાં યુવા અને વડીલો વચ્ચે મતભેદ છે. એવામાં હાર્દિકને જ્યાં સુધી સમાજનું સંપૂર્ણ સમર્થન ન મળે ત્યાં સુધી તે કોંગ્રેસને ટેકો જાહેર નહી કરે.
આ ઉપરાંત પાટીદારો પર થયેલા રાષ્ટ્રદ્રોહના કેસ પાછા ખેંચવા અને પાટીદાર યુવાનોની હત્યા પાછળ જવાબદાર લોકો વિરૂધ્ધ કાર્યવાહી કરવાની વાત પણ જણાવી હતી. હાર્દિક પટેલે પોતાના સમાજના હક્કની અનેક વાતો રાહુલ ગાંધી સમક્ષ રાખી છે.
હાર્દિકે રાહુલ ગાંધીને અનામત મુદ્દે પણ ખુલાસો કરવા કહ્યું છે. કોંગ્રેસ સ્પષ્ટતા કરે કે કયા પ્રકારે અને બંધારણની કઇ જોગવાઇ થકી જો કોંગ્રેસ સત્તામાં આવે તો પાટીદારોને અનામત આપશે. એટલું જ નહીં, કોંગ્રેસ સત્તામાં આવે તો સરકારમાં પાટીદારોને કેટલા ટકા નેતૃત્વ મળશે, તેવું પણ પૂછ્યું છે.