નવરાત્રિનાં બાકીના દિવસો પણ વરસાદમાં ધોવાશે કે પછી રમાશે ગરબા ? શું કહે છે હવામાન ખાતું અને જ્યોતિષશાસ્ત્ર ? જાણો
હવામાન ખાતાની આગાહી પ્રમાણે મહારાષ્ટ્રમાં ઉદભવેલા અપર સર્ક્યુલેશનથી ગુજરાતમાં ફરીથી ચોમાસાનાં મંડાણ થયાં છે. આ વરસાદી માહોલ 10 ઓક્ટોબર સુધી રહેશે અને હવામાન કચેરીએ આ દિવસો દરમિયાન હળવા વરસાદની આગાહી કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ છે ત્યારે હવામાન ખાતાએ અમદાવાદ સહિત રાજ્યભરમાં સમગ્ર નવરાત્રીમાં હળવા વરસાદની આગાહી કરતાં ગરબા આયોજકોના જીવ તાળવે ચોંટ્યા છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે સમગ્ર રાજ્યમાં 10 ઓકટોબર સુધી વરસાદ થશે.
અમદાવાદમાં બે દિવસમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યા બાદ આજે વહેલી સવારે વરસાદનાં ઝાપટાં વરસ્યા બાદ ઠંડક સાથે ખુશનુમા હિલ સ્ટેશન જેવો માહોલ છવાયો છે. રાજ્યભરમાં 1 થી 7 ઇંચ જેટલો વરસાદ પડતાં વરસાદે પણ નોરતાંમાં અનુષ્ઠાન માંડ્યું હોય એવું લાગે છે.
રાજ્યભરમાં સર્વત્ર વરસાદ ચાલુ રહેતાં ગરબા આયોજકોના શ્વાસ અધ્ધર થઇ ગયા છે. સિઝનલ પાસ લેનારા લોકો પણ ગરબા થશે કે નહીં તેવી પૂછપરછ કરતા થઈ ગયાયા છે. ખેલૈયા અને આયોજકો ઉપરાંત ફૂડ સ્ટોલધારકોની ચિંતા પણ વધી ગઇ છે.
હવામાન ખાતા ઉપરાંત જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે પણ આ નવરાત્રિમાં દરરોજ વરસાદ પડવાના યોગ છે. જ્યોતિષ પ્રમાણે અત્યારે હાથિયા નક્ષત્ર ચાલે છે અને આ નક્ષત્રમાં હાથીની સૂંઢ ફરી વળતાં હવે વરસાદ થોભશે નહીં. આ નક્ષત્રની અસરથી નવરાત્રિ પછી પણ વરસાદ લંબાઈ શકે.
અમદાવાદ શહેરમાં આજે દિવસભર વાદળછાયા વાતાવરણ ઉપરાંત છૂટાછવાયા વિસ્તારમાં ભારેથી હળવા વરસાદની આગાહી કરાઈ છે. ગઇ કાલે મેઘરાજાની ગેરહાજરીના પગલે ખેલૈયા મન મૂકીને નાચ્યા હતા પણ હવે બાકીનાં નોરતાં સારાં નહીં જાય તેવી આશંકા છે.
હવામાન ખાતાની આગાહી સાચી પડતી હોય તેમ આજે સવારથી જ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાનો શરૂ થયો છે. રાજ્યના બીજા ભાગોમાં પણ વરસાદ ચાલુ રહેતાં બાકીના દિવસોમાં પણ ગરબા થવા સામે સવાલ પેદા થઈ ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -