હિટ એન્ડ રનઃ બે વિદ્યાર્થિનીનાં ડમ્પરની ટક્કરે મોત, ડમ્પર ચાલકની ધરપકડ
અમદાવાદઃ શહેરના શાહઆલમ ચાર રસ્તા પાસે ડમ્પરની અડફેટે બે ભાવી તબીબ યુવતીઓના કરુણ મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે. બોપલની પારુલ યુનિવર્સીટી ખાતે બંન્ને વિધાર્થિનીઓ ફીઝીયોથેરાપીસ્ટનો અભ્યાસ કરતી હતી. શુક્રવારે બોપલથી નીકળી મણીનગર ખાતે આવેલા ઘરે જતી હતી, ત્યારે શાહઆલમ પાસે યમરાજરૂપી ડમ્પરે બંનેને અડફેટે લીધી અને બન્નેને ટક્કર મારી ડમ્પરચાલક ડમ્પર સાથે નાસી છૂટ્યો હતો. બંનેમાંથી એકનું ઘટના સ્થળે અને બીજી યુવતીનું એલ. જી. હોસ્પિટલ ખાતે મોત નિપજ્યું હતું. ત્યારે આ મામલે ટ્રાફિક પોલીસે મોડી રાત્રે ડમ્પર ચાલક મઝહર ખાનની ધરપકડ કરી હતી. અત્યારે સમાચાર મળી રહ્યા છે કે, એએમસીના આ ડમ્પર ચાલકનો જામીન પર છૂટકારો થયો છે.
શુક્રવારે સાંજે પાંચ વાગ્યે આશ્વી અને પ્રીત નામની બે 19 વર્ષીય યુવતીઓ એક્ટીવા લઈ અહીથી પસાર થઈ હતી. ત્યારે બન્ને યુવતીઓને એએમસીના ડમ્પરે અડફેટે લઈ લીધી અને ડમ્પર ચાલક ઝડપી ગતિએ ડમ્પર લઈ નાસી છુટ્યો હતો. 19 વર્ષીય યુવતી આશ્વીનું ઘટના સ્થળે જ અકસ્માતમાં મોત નિપજ્યું હતું. જ્યારે બીજી યુવતી પ્રીત વૈધને સારવાર માટે એલ.જી. હોસ્પિટલ ખસેડાઈ, પણ તેને સારવાર મળે તે પહેલાં જ તેના પ્રાણ ઉડી ગયા હતા.
એક તરફ ભાવી તબીબ એવી બન્ને યુવતીઓના કરુણ મોત નિપજ્યા છે, ત્યારે બીજી તરફ ડમ્પરચાલક અકસ્માત કરી નાસી છુટ્યો હતો. હિટ એન્ડ રનના આ ગુનામા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી વધુ તપાસ શરૂ કરી છે. હકિકત જોવા જઇએ તો શહેર ટ્રાફિક પોલીસે દિવસ દરમિયાન ભારે વાહનોના શહેરના રસ્તાઓ પર પ્રતિબંધ ફરમાવ્યો છે અને આ હીટ એન્ડ રનનો સમય પણ સાંજનો જ હતો, તો આ નિયમ બાબતે ટ્રાફિક પોલીસે એવી કોઇ કામગીરી કરી નથી અને તેના કારણે જ યુવતીઓના મોત નિપજ્યાં હોવાનું પરિવારજનો માની રહ્યાં છે. બીજી તરફ આ ઘટના પરથી શહેર પોલીસે બનાવેલા નિયમો કોર્પોરેશનના કર્મચારીઓ પર લાગું ન પડતાં હોવાની પણ ઘટનાસ્થળે લોકો ચર્ચા કરી રહ્યાં હતાં.
શાહઆલમ રોડ પર ચોવીસ કલાક ડમ્પરોની અવર-જવર રહેતી હોય છે અને ભૂતકાળમાં ઘટેલા અનેક અકસ્માતો તેના ગવાહ પણ છે.તેમ છતા આજદિન સુધી પોલીસની યોગ્ય કાર્યવાહીનો અભાવ જોવા મળ્યો છે. જેના કારણે આજે ફરી એક ગોઝારા અકસ્માતે બે યુવીતીઓનો ભોગ તો લીધો જ છે સાથે સ્થાનિકોના પણ હોશ ઉડાવી દિધા છે.