અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ, CM રૂપાણીએ કર્યું ઉદ્ઘાટન
આ મહોત્સવના લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ રાજ્યના કેબિનેટ મંત્રી ગણપત વસાવા સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. પતંગ મહોત્સવથી ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો હોવાનો દાવો રાજ્ય સરકાર કરી રહી છે.
7થી 14મી જાન્યુઆરી સુધી યોજાનારા આંતરરાષ્ટ્રીય પંતગ મહોત્સવની મજા માણવા દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડશે. જેને કારણે પતંગ મહોત્સવ દુનિયાભરમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે તેવો દાવો સરકાર દ્વારા કરાયો છે.
અમદાવાદઃ અમદાવાદના રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે 29મા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ફેસ્ટિવલમાં ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની, યુક્રેન, બ્રાઝિલ સહિત 44 દેશોના પતંગબાજો ભાગ રહ્યા છે. આ ઉપરાંત ગુજરાતના 300થી વધુ પતંગબાજો પણ સાત દિવસ ચાલનારા ફેસ્ટિવલમાં ભાગ લેશે.
રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે અમદાવાદ ઉપરાંત રાજ્યના નાના શહેરોના લોકો પણ ઉત્સવની મજા માણી શકે તે આશયથી રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, અમરેલી, ગાંધીધામ, પાલનપુર, અરવલ્લી, દ્વારકા, ડાકોર, પાવાગઢ, વલસાડ, સાપુતારા સહિતના સ્થળોએ પતંગ મહોત્સવની ઉજવણી કરાશે.