અમદાવાદની કઈ હોસ્ટેલમાં ડ્રગ્સ શોધવા ત્રાટકી નાર્કોટિક્સ બ્યુરોની ટીમ, વાલીઓએ કરેલી શું ફરિયાદ ? જાણો
અમદાવાદઃ અમદાવાદ નાર્કોટિક્સ બ્યૂરોને અમદાવાદની કોલેજોની હોસ્ટેલોમાં રહેતા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા પોતાનાં સંતાનો ડ્રગ્સના રવાડે ચઢી રહ્યા હોવાની ફરિયાદો મોટા પ્રમાણમાં મલી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.
આ અંગે એનસીબીના ડાયરેક્ટર હરિઓમ ગાંધીએ જણાવ્યું હતું કે, સરપ્રાઈઝ ચેકીંગ કરી અમે વિદ્યાર્થીઓને મેસેજ આપવા માંગીએ છીએ કે ‘હોસ્ટેલમાં ડ્રગ્સનું સેવન કરશો તો પણ એનસીબી તમને બંધ રૂમોમાં પણ શોધી કાઢી તમને એરેસ્ટ કરી લેશે.
આ ટીમે અઢી કલાક સુધી હોસ્ટેલમાં તપાસ પછી ખાલી હાથે પાછા ફરવું પડ્યું હતું. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ ગરબા રમવા નિકળી ગયા હતા. રૂમો બંધ હોવાથી ટીમ અંદર જઈ શકી નહોતી અને બીજાં ઠેકાણેથી કંઈ વાંધાજનક મળ્યું ન હતું.
અમદાવાદ નાર્કોટિક્સ બ્યૂરોએ આ ફરિયાદોના આધારે મંગળવારે સેપ્ટ યુનિવર્સીટી અને તેની હોસ્ટેલમાં રાત્રે 8:30 વાગ્યે દરોડો પાડ્યો હતો. અમદાવાદ નાર્કોટિક્સ બ્યૂરોના ઝોનલ ડાયરેક્ટર હરિઓમ ગાંધીની આગેવાનીમાં ટીમ ત્રાટકી હતી.
નાર્કોટિક્સ બ્યુરોને એવી ફરિયાદ મળી હતી કે હોસ્ટેલોમાં રહેતા વિદ્યાર્થીઓ હોસ્ટેલોની બંધ રૂમોમાં ડ્રગ્સનું સેવન કરે છે. યુનિવર્સિટી વિસ્તારમાં ડ્રગ્સનું ખુલ્લેઆમ વેચાણ થાય છે તેવી ફરિયાદ પણ નાર્કોટિક્સ બ્યુરોને મોટા પ્રમાણમાં મળી છે.