પીએસઆઈએ બેધડક કહ્યું, હા મેં ડીસીપીને તમાચો ઠોકેલો, એ પછી શું લેવાયાં પગલાં?
ઝોન-6ના ડીસીપી રાજન સુસરાના રીડર પીએસઆઈ આર.એફ. ચૌધરીને શુક્રવારે સાંજે ઝોન-4ના ડીસીપી એસ.કે. ગઢવીએ ચૌધરીને લાકડી મારી હતી. તેના જવાબમાં ચૌધરીએ ગઢવીને પોલીસ અધિકારીઓની હાજરીમાં જ તમાચો ઠોકી દીધો હતો.
અમદાવાદ : શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમદાવાદ એરપોર્ટ પર આગમન પહેલાં ડીસીપીને લાફો ઝીંકીં દેવા બદલ પીએસઆઈને સસ્પેન્ડ કરી દેવાયા છે. અમદાવાદના પોલીસ કમિશ્નર શિવાનંદ ઝાએ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા. બંને પોલીસે એકબીજા સામે ફરિયાદ નોંધાવી છે.
આ ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાંચના જેસીપી જે.કે. ભટ્ટને સોંપાઈ હતી. ડીસીપીને તમાચો ઠોકનારા પીએસઆઈ આર.એફ. ચૌધરીએ ભટ્ટ સામે કબૂલાત કરી હતી કે, હા મેં ડીસીપી સાહેબને તમાચો માર્યો હતો પણ પહેલાં તેમણે મને લાકડી મારી હતી.
ગઢવીએ ચૌધરી અંગે કોમેન્ટ કરી હતી કે ‘તમે બહુ ઢીલા છો’ એમ કહી ખભા પર લાકડી મારી હતી. આથી ચૌધરી અકળાઈ ગયા હતા અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઉગ્રતા વધી હતી ને ચૌધરીએ ગઢવીને તમાચો ઠોકી દેતાં સૌ સ્તબ્ધ થઈ ગયા હતા.
આ ઘટનામાં સંડોવાયેલા ડીસીપી ગઢવીની છાપ પોલીસો સાથે તુમાખી કરનાર અને તેમને અપમાનિત કરનારા અધિકારી તરીકેની છે. આ અગાઉ પણ ગઢવી આ રીતે તોછડાઈથી વર્ત્યા હોય એવી ઘટનાઓ બની હતી પણ આ વખતે તેમને આકરો જવાબ મળી ગયો.
શુક્રવારે સાંજે મોદી દિલ્લીથી અમદાવાદ આવવા રવાના થઈ ગયા છે તેવો મેસેજ મળ્યો પછી એસ.કે ગઢવીએ એરપોર્ટ પર હાજર તમામ પોલીસોને મોદીના આગમન સમયે શું કરવું તેની સૂચના આપવા બોલાવ્યા હતા. એ વખતે આ ઘટના બની હતી.