પેપર લીક મુદ્દે રેશમાનો આક્રોશઃ ભાજપ ગુનેગારોને ટિકિટ આપે છે ને શરમથી માથું અમારે ઝૂકાવવું પડે છે, બીજું શું શું લખ્યું ?
અમદાવાદઃ લોકરક્ષક ભરતીની પરીક્ષાનું પેપર લીક થયું એ મુદ્દે ભાજપ બરાબરનો ભીંસમાં છે ત્યારે ભાજપનાં નેતા રેશમા પટેલે પોતાના ફેસબુક પેજ પર ભાજપ નેતાગીરી સામે આકરા પ્રહારો કરીને ભાજપની મુશ્કેલી વધારી છે.
આવા લોકોની આવા કૃત્યો કરવાની હિંમતનું કારણ એ છે કે જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે દરેક પક્ષો દ્વારા જીલ્લા પંચાયતથી લઇ વિધાનસભા,લોકસભામાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોને પણ ટીકીટો આપી દેવામાં આવે છે અને આવા લોકો પોતાની નૈતિકતા ભૂલી જાય છે અને આવા કૃત્યોને પોષણ આપે છે.
રેશમાએ લખ્યું છે કે, લોકરક્ષક ભરતીની પરીક્ષાનું પેપર લીક થયું મામલે જે લોકોનાં નામ સામે આવ્યાં છે એ વિચારવા મજબૂર કરે છે કે, જનતાની સેવા કરવા રચાયેલું રાજકારણ આવા લોકોના કારણે ભ્રષ્ટ બન્યું છે.
રેશમાએ તો ભાજપ નેતાગીરી પર પ્રહાર કરતાં લખ્યું છે કે, પક્ષમાં જોડાયેલા લોકોને સસ્પેન્ડ કરવાથી જ રાજનિતીમાં રહેલ ભ્રષ્ટ લોકો ખતમ નહીં થાય. ભારતીય જનતા પાર્ટીની એક કાર્યકર્તા તરીકે કહેવા માગું છું કે પક્ષના લોકો આવા કાર્યમાં સંડોવાયેલા હોય ત્યારે અમારે શરમથી માથું ઝૂકાવવું પડે છે.
તેમણે વધુમાં લખ્યું છે કે, રાજનિતીમાં જોડાયેલા લોકો જ આવાં ગુનાહિત કૃત્યો કરશે, સિસ્ટમ સંભાળવાવાળા જ સિસ્ટમ પરની વિશ્વસનીયતાનાં ધજીયા ઉડાવશે તો લોકો ન્યાય અને પારદર્શિતા માટે વિશ્વાસ કોના ઉપર કરશે ?