5000 કરોડના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અમદાવાદનો યુવક, મુંબઇ પોલીસના શહેરમાં ધામા, જાણો ક્યા પડાયા દરોડા
અમદાવાદ: સમગ્ર દેશમાં ખળભળાટ મચાવનારા દેશના સૌથી મોટા કોલ સેન્ટરની તપાસના તાર અમદાવાદ સુધી પહોંચ્યા છે. આ કૌભાંડનો માસ્ટરમાઇન્ડ અમદાવાદનો હોવાનું સામે આવતા થાણે ક્રાઇમબ્રાન્ચ અને મુંબઇ પોલીસે અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા પિનેકલ બિઝનેસ પાર્કમાં ચાલતા પાંચ કોલ સેન્ટર પર રેડ મારી છે. નોંધનીય છે કે થોડા દિવસો અગાઉ મુંબઇમાં ચાલતા બોગસ કોલ સેન્ટરનો ભેદ ઉકેલાયો હતો. અહીં છેતરપિંડી કરી રોજના એક કરોડ રૂપિયાની કમાણી કરતા હતા.
જો કોઇ કર્મચારીઓ વિદેશીઓને ઠગવામાં સારી કામગીરી કરી હોય તો તેમને બે થી 20 હજાર રૂપિયા સુઘીનું ઇન્સેટિવ આપવામાં આવતું હતું. વિદેશમાં બેઠેલા ઓપરેટર દ્વારા વિદેશી નાગરિકોના ડેટા અમદાવાદ મોકલવામાં આવતો હતો ત્યાર બાદ તમામ લોકોને ફોન કોલ્સ થતા હતા. જોકે સાગર ઠક્કર તમામ કોલ સેન્ટર બંધ કરીને ફરાર થઇ ગયો છે. આ કેસમાં હાલ તો સાગર ઠક્કરની ધરપકડ કરવા માટે પોલીસ તનતોડ મહેનત કરી રહી છે. આનંદનગર, નવરંગપુરા જેવા વિસ્તારોમાં અગાઉ પોલીસે આવા ગેરકાયદે કોલ સેન્ટરો પર દરોડા પાડ્યા હતા.
મુંબઇના મીરાં રોડ પર ચાલતાં 9 કોલ સેન્ટર દ્વારા અમેરિકનોને અહીં બેઠાં બેઠાં ઇન્ટર્નલ રેવન્યૂ સર્વિસ વિભાગના અધિકારીઓના નામે ધમકી આપીને રૂપિયા કમાણી કરવાનો પર્દાફાશ થયો હતો. પોલીસે આ મામલે 700 કર્મચારીઓની ધરપકડ કરી હતી. આ કૌભાંડનો માસ્ટર માઇન્ડ અમદાવાદનો સાગર ઠક્કર હોવાનું તપાસમાં ખુલ્યું હતું. છેલ્લા ચાર દિવસથી થાણે ક્રાઇમ બ્રાંચની ટીમે સાગર ઠક્કર અને અન્ય 9 માસ્ટર માઇન્ડને શોધવા માટે શહેરમાં ધામા નાખ્યા છે.
ઉલ્લેખનીય છે કે મુંબઇના મીરા-ભાયંદર રોડ પર આવેલા કોલ સેન્ટરમાં વિદેશમાં ખાસ કરીને યુએસમાં રહેતા લોકોને ફોન કરીને ઇન્ટર્નલ રેવન્યૂ ડિપાર્ટમેન્ટના અધિકારીઓના નામે ધાકધમકીઓ આપીને લાખો રૂપિયા પડાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જુદા જુદા 9 કોલ સેન્ટરમાં 700 કર્મચારીઓની ધરપકડ કરી હતી. કર્મચારીઓએ ખુલાસો કર્યો છે કે અમદાવાદના પિનેકલ બિઝનેસ પાર્કમાં આવેલા પાંચ કંપનીઓના કોલ સેન્ટરના માસ્ટર માઇન્ડ સાગર ઠક્કરના નેજા હેઠળ મુંબઇમાં કોલ સેન્ટર ચાલતા હતા.