અમદાવાદમાં ગાંધીજીના નામે વિરોધ કરતાં કોંગ્રેસના દેખાવોમાં બે કાર્યકરો દારૂની બોટલ સાથે ઝડપાયા, જાણો વિગત
અમદાવાદ: મહાત્મા ગાંધીની પુણ્યતિથિએ ઉત્તર પ્રદેશમાં અખિલ ભારત હિંદુ મહાસભાએ ગાંધીજીની પ્રતિમાને ગોળી મારી નથુરામ ગોડસેની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ ઘટનાના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સોમવારે કોચરબ આશ્રમ ખાતે ધરણાં-પ્રદર્શન યોજવામાં આવ્યા હતા.
દેખાવો-પ્રદર્શન સમયે ડેકીમાં દારૂ લઈ આવેલા કાર્યકરોનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. જૂથવાદમાં ખદબદતી કોંગ્રેસના આ દેખાવોમાં કોઈ ખાસ ભીડ જોવા મળી નહોતી. પ્રદર્શનમાં કોંગ્રેસના નેતાઓ સહિત કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતાં.
જોકે પ્રદર્શનમાં પૂતળું લઈને એક્ટિવા પર જઈ રહેલા બે કોંગેસના કાર્યકરો અનિલ રામનિવાસ વર્મા અને એઝાજખાન હમીદખાન પઠાણ પાસેથી એક દારૂની બોટલ મળી આવી હતી. એલિસબ્રિજ પોલીસે પૂતળાની સાથે ડેકીમાંથી દારૂની એક બોટલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ બંને કાર્યકરો સામે ગુનો નોંધ્યો હતો.