અમદાવાદઃ પ્રોફેસર વિદ્યાર્થિનીને કહ્યું, તું ભણવા આવે છે કે પ્રેગ્નેટ થવા? પછી શું થયું?

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં માસ્ટર ઓફ સોશિયલ વેલફેર (એમએસડબલ્યુ)માં અભ્યાસ કરતી સગર્ભા વિદ્યાર્થિનીને મહિલા પ્રોફેસરે તું ભણવા આવે છે કે પ્રેગ્નેન્ટ થવા? તેમ કહીને હડધૂત કરતાં વિદ્યાર્થિની બેભાન થઈ ગઈ હતી. બીજી તરફ ગભરાયેલા વિદ્યાર્થીઓએ 108ને ફોન કરતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ પછી વિદ્યાર્થિનીએ મહિલા પ્રોફેસર સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે.
પોલીસે વિદ્યાર્થિનીની ફરિયાદના આધારે તપાસ કરી છે. બીજી તરફ મહિલા પ્રોફેસર આ ફરિયાદને ખોટી ગણાવી છે. તેમજ તેઓ વિદ્યાર્થિનીને હડધૂત કરી હોવાનો પણ ઇનકાર કરી રહ્યા છે. તેમણે ફરિયાદી આક્ષેપ સાબિત નહીં કરી બતાવે તો બદનક્ષીનો દાવો કરવાનીચીમકી પણ ઉચ્ચારી છે.
આ અંગેની વિગતો એવી છે કે, એમએસડબલ્યુના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની અને કો-ઓર્ડિનેટર વચ્ચે છેલ્લા થોડા સમયથી નાના-મોટા વિવાદ થતા હતા. દરમિયાન થીસીસ જમા કરાવવા ગયેલી વિદ્યાર્થિની સાથે કો-ઓર્ડિનેટરે ખરાબ વર્તન કરતાં આ ઘટના ઘટની હતી. આ અંગે વિદ્યાર્થિનીએ કો-ઓર્ડિનેટર સામે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ કરી છે.