હાર્દિકના સાથી દિનેશ બાંભણિયાને પણ કરાયો જેલભેગો, જાણો પોલીસ તેને ક્યાંથી ઉઠાવી લાવી?
પાટણઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલને જેલભેગો કરી દેવાયો છે ત્યારે તેના સાથી દિનેશ બાંભણિયાની પણ ધરપકડ કરાઈ છે. હાર્દિક પટેલ તથા દિનેશ બાંભણિયા સામે ‘પાસ’ના મહેસાણાના કન્વિનર નરેન્દ્ર પટેલે મારામારી અને લૂંટ અંગેનો કેસ કર્યો છે.
નરેન્દ્ર પટેલની ફરિયાદ પ્રમાણે હાર્દિક પટેલ , દિનેશ બાંભણિયા તથા તેમના માણસોએ તેના પર પાટણની નવજીવન હોટલ બહાર હુમલો કર્યો હતો. હાર્દિકની આણંદ પાસેથી ધરપકડ કરાઈ હતી જ્યારે હાર્દિકના સાથીદાર દિનેશ બાંભણિયાની રાજકોટમાંથી ધરપકડ કરાઈ હતી.
દિનેશ બાંભણિયા રાજકોટમાં પોતાના કાકાને ઘેર ગયો હતો અને પોલીસ તેને કાકાના ઘરેથી ઉઠાવીને લઈ આવી હતી. રાજકોટ પોલીસે એ પછી દિનેશ બાંભણિયાને પાટણ પોલીસને સોંપી દીધો હતો. હાર્દિકની સાથે દિનેશ બાંભણિયાને પણ પોલીસ અજ્ઞાત સ્થળે લઈ ગઈ હતી ને તેને પણ આજે કોર્ટમાં રજૂ કરાશે.
દિનેશ બાંભણિયાની ધરપકડના પગલે પાસના પ્રવક્તા વરૂણ પટેલે જણાવ્યું કે, 2017માં સરકાર બદલાવીને પણ હાર્દિકને છોડાવી લઇશું. સરકારના વલણની આકરી ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે, હાર્દિક પટેલ અને દિનેશની ધરપકડને પાસ વખોડી કાઢે છે. લોકશાહીમાં આવી સરકારને ચલાવી લેવી જોઇએ નહીં.
તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં લોકશાહી જેવું વાતાવરણ નથી. ખોટા કેસો કરી પકડી લેવાય છે પરંતુ સરકાર ગમે તેટલા પ્રયાસ કરશે પણ પાટીદાર આંદોલનને રોકી શકશે નહીં. હાર્દિકની ધરપકડના ઘેરા પ્રત્યાઘાતો પડશે. જો મારી ધરપકડ થશે તો ગણપતિ બાપાના આર્શીવાદ લઇને જેલમાં જવું પડશે.