ઉમરેઠમાં નારાયણ જ્વેલર્સનું 150 કરોડનું ઉઠમણું, જાણો કઈ મોટી બેંકના નાણાં ફસાયા
ઉમરેઠની નારાયણ જ્વેલર્સ નામની પેઢી છેલ્લા 6 માસથી તુટી જવાની છે. તેવી બજારમાં વાતો વહેતી થઈ હતી. છતાં ઉમરેઠની બે બેંકોએ આ પેઢીને કરોડો રૂપિયાનું ધીરાણ છેલ્લા બે માસમાં કરવામાં આવતા બેંકોના નાણાં પણ સલવાઈ ગયા હતા અને બેંકોના અધીકારીઓ આ સમગ્ર પરિસ્થિતી જાણ હોવા છતાં કરેલ ધીરાણ કરી બેંકોના રોકાણકારોના નાણાં જાણી જોઈને સલવાવા બદલ આ ધીરાણ શંકાના દાયરામાં આવી ગયું હતું.
સરકાર દ્વારા ખેડુતોને ચાર ટકાના વાર્ષિક વ્યાજના દરે ક્રોપ લોન ખેતી માટે આપવામાં આવે છે. ઉમરેઠના કેટલાંક ખેડુતોએ ક્રોપ લોન લઈ નારાયણ જ્વેલર્સમાં બાર ટકાના વાર્ષિક વ્યાજથી ફીક્સ મુકી હતી. આઠ ટકા વ્યાજ વધારે મળે તે હેતુથી ફીક્સ કરનાર ખેડુતો માટે ઘેટું અને ઉન બન્ને ગયા હોવાનો ઘાટ સર્જાયો હતો.
જેના કારણે રોકાણકારો પોતાના નાણાંની ઉઘરાણી કરતા હતા. પરંતુ આ પેઢીના સંચાલકો દ્વારા બહાના બતાવીને કે ચેક આપીને રોકાણકારોને વિદાય કરી દેવામાં આવતા હતા. પરંતુ છેલ્લા 10 દિવસથી આ પેઢીને ખંભાતી તાળા વાગી જતાં રોકાણકારોના જીવ અદ્ધર થઈ ગયા હતાં. ઉમરેઠના પટેલ સમાજ કે જેઓ મુખ્યત્વે ખેતી ઉપર જીવન ગુજરાન ચલાવે છે. તેમણે પોતાની જમીન વેચી હતી અને જમીન વેચાણના મળેલ પુરેપુરા નાણાંની ફીક્સ નારાયણ જ્વેલર્સમાં કરી હતી. હવે આ પેઢીએ ઉઠમણું કરતા તેમને રાતા પાણીએ રડવાનો સમય આવ્યો હતો.
સામાન્ય રીતે બેંક તથા સરકારી સંસ્થાઓ ફીક્સ ડીપોઝીટ ઉપર છ ટકાના વાર્ષિક દરથી વ્યાજ આપતી હોય છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી ધમધોકાર ચાલતી ઉમરેઠની આ પેઢીએ ફીક્સ ડીપોઝીટ ઉપર વાર્ષિક બાર ટકાના દરે વ્યાજની લાલચ આપી લોકો પાસેથી ફીક્સ મુકાવવાનુ ચાલુ કર્યું હતું. જેથી ઉમરેઠ પંથક સહિત આજુબાજુના રોકાણકારોએ રોકાણ કર્યું હતું. પરંતુ છેલ્લા છ માસથી આ પેઢી તુટી જવાની છે. તેવી વાત બજારમાં વહેતી થઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર શરાફી પેઢીના ગઢ ગણાતા ઉમરેઠના ચોક્સી બજારમાં આવેલી નારાયણ જ્વેલર્સ નામની પેઢી તથા ફાયનાન્સ કંપનીએ આણંદ કોર્ટમાં 73 રોકાણકારો તથા 2 બેંકોના નાણાં ચુકવવા માટે નાદારી નોંધાવાની અરજી કરતાં સમગ્ર ઉમરેઠ તથા અન્ય શહેરોના ખેડુતો વેપારીઓ નાના રોકાણકારો તથા 2 બેંકોના રૂપિયા 150 કરોડથી વધારે રૂપિયા સલવાયા હોવાની માહિતી મળી છે જેના કારણે સમગ્ર વિસ્તારમાં આ અંગે ચર્ચાઓ ચાલી હતી.
આણંદ: ઉમરેઠ ચોક્સી બજાર આવેલી નારાયણ જ્વેલર્સ તથા ફાયનાન્સ પેઢીએ આણંદ કોર્ટમાં નાદારી નોંધાવવા માટે અરજી કરી હતી. તેના પગલે ઉમરેઠ તથા આસપાસના વિસ્તાર અને અન્ય મહાનગરોના ખેડુતો વેપારીઓ નાના રોકાણકારો તથા બેંકોના મળીને 150 કરોડથી વધારે રૂપિયા સલવાઈ જતાં સન્નાટો મચી ગયો હતો. જેની અસરો આજે રવિવારના દિવસે અન્ય શ્રોફની પેઢીઓ ઉપર પણ લોકોએ નાણાં પરત લેવા ઘસારો જોવા મળ્યો હતો.